અમદાવાદ : અમદાવાદનાં પૂર્વ વિસ્તારમાં ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે. જેમાં બે મિત્રો વચ્ચે થયેલા ઝઘડાના સમાધાનના નામે બન્ને ભેગા થતા ઝઘડો ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. એક મિત્રએ બીજા મિત્રને પહેલા લાકડાના ફટકા મારી બાદમાં છરીથી ઉપરાછાપરી ઘા મારીને હત્યા નિપજાવી છે. જોકે આ મામલે ગુનો નોંધાતા જ પોલીસે ગુનામાં શામેલ બન્ને આરોપીઓની ધરપકડ કરી છે.
આ અંગે મોડી રાત્રે ઘટના બનતા જ પોલીસે ગુનામાં સામેલ બન્ને આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલો સંજય ચોટી અગાઉ મારમારી તેમજ દારૂના ગુનામાં ઝડપાયો છે. બે વર્ષ પહેલા રીક્ષાના અકસ્માત અંગે બન્ને વચ્ચે અદાવત હતી જેના કારણે આ ઘટના બની છે. હાલ આરોપીની વધુ તપાસ ચાલુ છે...કૃણાલ દેસાઈ(ACP, આઈ ડિવીઝન)
10 વર્ષથી મિત્રતા : ઘટનાની વિગતવાર વાત કરીયે તો ફરિયાદી વિશાલ ચૌહાણ ડ્રાઈવીંગનું કામ કરે છે અને તેની ચાલીની નજીકમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીગ્નેશ પરમાર સાથે છેલ્લાં 10 વર્ષથી મિત્રતા ધરાવે છે. જીતેન્દ્ર પરમારને અમરાઈવાડી જોગમાયાનગરમાં રહેતા સંજય ઉર્ફે કાલુ ચોટી સાથે મિત્રતા હતી. જેથી તેઓ અવારનવાર ત્યાં મળવા જતા હતા. આ રીતે છેલ્લાં બે ત્રણ વર્ષથી તે સંજય ચોટીને ઓળખતો હતો.
જીતેન્દ્ર સાથે હું રાત્રે અમરાઈવાડી ગયો હતો, જ્યાં સંજય સાથે ઝઘડો થતા સંજયે ચપ્પુથી ઉપરાછાપરી ઘા માર્યા હતાં. તે બન્ને વચ્ચે ઘણાં સમયથી જૂની બાબતમાં તકરાર ચાલતી હતી...વિશાલ ચૌહાણ(ફરિયાદી)
નશામાં થતી રહેતી હતી બોલાચાલી : બે વર્ષ અગાઉ સંજય ચોટી જીતેન્દ્ર ચૌહાણની રીક્ષા લઈ ગયો હતો અને રીક્ષા પલ્ટી ખાઈ જતા જીતેન્દ્રનો પગ ભાંગી ગયો હતો. જે બાબતને લઈને બન્ને નશામાં હોય ત્યારે બોલાચાલી થતી હતી. બીજી જુલાઈએ રાતના 10 વાગે વિશાલ ચૌહાણ તેમજ જીતેન્દ્ર પરમાર અમરાઈવાડી ખાતે ગયા હતાં. તે વખતે પણ સંજય ચોટી અને જીતેન્દ્ર પરમાર વચ્ચે ઝઘડો થતા વિશાલ ચૌહાણે બન્નેને છોડાવ્યા હતાં અને તે બન્ને ગોમતીપુર જતાં રહ્યાં હતાં. ગોમતીપુર પહોંચતા જ જીતેન્દ્ર પરમારે વિશાલ ચૌહાણને જણાવ્યું હતું કે તે સંજયનો મિત્ર છે એટલે વધારે કંઈ કરવુ નથી, આપણે સમાધાન કરી આવીયે. જે બાદ વિશાલ ચૌહાણ અને જીતેન્દ્ર પરમાર રાતનાં એક વાગે ફરી અમરાઈવાડી જોગમાયાનગરમાં પહોંચ્યાં હતાં.
સંજય ચોટીએ ઝીંકી દીધાં છાતીમાં ઘા : ત્યાં પહોંચતા જ જીતેન્દ્ર પરમારે પોતાની પાસે રહેલા ચપ્પુથી સંજય પર હુમલો કર્યો હતો અને તે બાદ સંજય ચોટી ક્યાંકથી લાકડુ લઈ આવ્યો હતો અને તેનો ભાઈ દીપક ઘરમાથી નીચે આવ્યો હતો. તે સમયે સંજયે પોતાના હાથમાં રહેલા લાકડાથી એક ફટકો જીતેન્દ્ર પરમારના માથામાં માર્યો હતો અને તેના ભાઈ દીપકને જીતેન્દ્રને મારવાનું કહ્યું હતું. જે બાદ દીપકે પણ જીતેન્દ્રને લાકડાના ફટકાથી મારવાનું શરૂ કર્યું હતું. જીતેન્દ્ર પરમાર ભાગવા જતા સંજય ચોટીએ છરી કાઢીને જીતેન્દ્રને છાતીમાં અને અલગ અલગ જગ્યાઓ પર ઘા માર્યા હતા. જેથી વિશાલ ચૌહાણ ત્યાંથી ભાગી ગયો હતો અને બાદમાં જીતેન્દ્ર પરમારને હોસ્પિટલમાં ખસેડાતા તેને તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે અમરાઈવાડી પોલીસે હત્યાનો ગુનો નોંધી સંજય ચોટી તેમજ તેના ભાઈ દીપકની ધરપકડ કરી છે.