અમદાવાદ : અમેરિકામાં અભ્યાસ કરવા માટે જરૂરી GRE - જીઆરઇની પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરનાર ગેંગના ત્રણ આરોપીઓની અમદાવાદ સાબર ક્રાઇમ એ ધરપકડ કરી છે, આ અંગે સાયબર ક્રાઇમમાં એક અઠવાડિયા પહેલા રજૂઆત મળી હતી કે કેટલાક એજન્ટો દ્વારા આ પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને ઓનલાઈન પૈસા મેળવી છેતરપિંડી કરવામાં આવે છે, જેથી તપાસ કરીને આ સમગ્ર મામલે ગુનામાં સામેલ ત્રણ આરોપીઓને સાયબર ક્રાઇમે વડોદરાથી ઝડપી પાડ્યા છે.
મોડસ ઓપરેન્ડી : સાયબર ક્રાઇમમાં મળેલી રજૂઆતના પગલે સાયબર ક્રાઇમે તપાસ કરી સુરતમાં પરીક્ષાવાળી જગ્યા પર તપાસ હાથ ધરી હતી. ફરિયાદીને પરીક્ષાનું સેટઅપ ગોઠવી આપી ઓનલાઇન પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના ફોટા પાડી લઈ વ્હોટ્સએપથી ચંદ્રશેખર ઉર્ફે રાહુલ સર નામના વ્યક્તિને મોકલી તે પ્રશ્નોના જવાબો તાત્કાલિક વ્હોટ્સએપથી મેળવી લઈ તે ઓનલાઇન પરીક્ષામાં નિરીક્ષક જોઈ ન શકે તે રીતે લેપટોપની પાછળના ભાગે બેસી બ્લુટુથની કનેક્ટ કરેલા કીબોર્ડ વડે ટાઈપ કરી પરીક્ષાર્થીને ફક્ત ટાઈપિંગ કરવાની એક્ટિંગ કરવાનું જણાવી એક પરીક્ષા પાસ કરાવી આપવાના રૂપિયા 4,000 કમિશન મેળવતા આંધ્રપ્રદેશના ચેરલાના મહેશ્વરા ચેરલા તેમજ ઓનલાઇન પરીક્ષામાં પુછાયેલા સવાલોના જવાબો મોકલી આપનાર ચંદ્રશેખર ઉર્ફે રાહુલ કરલપૂડીને વડોદરા ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે. તેમજ સુરતમાંથી વોઈસ ઈમીગ્રેશન નામનું સેન્ટર ચલાવનાર સંચાલક સાગર હિરાણીની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે સાયબર ક્રાઈમને જાણ થતા અલગ અલગ 20-25 પોલીસ કર્મીઓની ટીમ દ્વારા તપાસ કરી આ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેઓની પાસેથી લેપટોપ અને અન્ય વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે. આરોપીઓની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે... જીતેન્દ્ર યાદવ(સાયબર ક્રાઈમના એસીપી)
એક વર્ષમાં 35 થી 40 વિદ્યાર્થીઓને છેતર્યાં : આ મામલે પકડાયેલા આરોપીઓ પાસેથી પાંચ લેપટોપ, ત્રણ સીપીયુ, 7 મોબાઈલ ફોન સહિત 95 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ છેલ્લા એક વર્ષથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓને આપવાની થતી TOEFL, IELTS, PTE, GRE જેવી પરીક્ષામાં વધારે માર્કસ લાવવા બાબતે છેતરપિંડી કરતા હતા અને છેલ્લા એક વર્ષમાં આરોપીઓએ 35 થી 40 જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા અપાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
મહેશ્વરા ચેરલાનું વિદ્યાર્થીદીઠ 4 હજાર કમિશન : આ મામલે ઝડપાયેલા આરોપી મહેશ્વરા ચેરલાએ બેચલર ઓફ સાયન્સનો પાર્ટટાઈમ ચાલુ કર્યો હતો અને છેલ્લાં 2 માસથી આંધ્રપ્રદેશથી વડોદરા આવીને રહેતો હતો. તેમજ TOEFL , GRE ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની ફી પોતાના ગુગલ પે એકાઉન્ટમાં મેળવી જુદી જુદી હોટલમાં વિદ્યાર્થીઓને બોલાવી પોતાનો ચહેરો દેખાય નહી તે રીતે ઓનલાઈન પરીક્ષા આપી છેતરપિંડી આચરતો હતો. એક દિવસમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવતો અને એક અઠવાડિયામાં ત્રણ વાર પરીક્ષા થતી હોય તે તમામ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સેટઅપ પુરી પાડી પાસ કરાવવાનું કહીને એક વિદ્યાર્થીદીઠ 4 હજાર કમિશન મેળવતો હતો.
વિઝા કન્સલ્ટીંગનું કામ : આરોપી સાગર હિરાણીએ બેચલર ઓફ એન્જીનીયરીંગ આઈટી સુધીનો અભ્યાસ કર્યો છે. તે વર્ષ 2020 થી મોટા વરાછા ખાતે વોઈસ ઈમીગ્રેશન નામથી ઓફિસ ધરાવી સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, ડિપેન્ડન્ટ વિઝાનું કન્સલ્ટીંગનું કામ કરતો હતો. તે છેલ્લાં એક વર્ષથી TOEFL , GRE ની પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરાવી પરીક્ષા પાસ કરાવવા માટે એક વિદ્યાર્થી દીઠ 15 હજાર રૂપિયા કમિશન મેળવતો હતો.
સૌથી વધુ કમિશન લેતો આરોપી : આરોપી ચંદ્રશેખર ઉર્ફે રાહુલ કરલપુડીએ બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે અને તે છેલ્લાં 20 વર્ષથી વડોદરામાં રહે છે. તેમજ છેલ્લાં એક વર્ષથી TOEFL , GREની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવી આપવા માટે ડમી માણસો રાખી અલગ અલગ એજન્ટો મારફતે 400 થી વધારે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા અપાવી એક વિદ્યાર્થી દીઠ 35 હજાર રૂપિયા કમિશન લેતો હતો.