અમદાવાદ: ગેસના બાટલાના ભાવ વધતાની સાથે લોકો સસ્તા ગેસના બાટલા લેવા માટે કોઇ પણ રીત શોધતા હોય છે. એવી જ રીતે લોકોની જરૂરિયાતને અવસરમાં બદલીને લોકોને ગેસના બાટલા આપતું કૌભાંડ અમદાવાદના દાણીલીમડામાંથી ઝડપાયું છે. એક તરફ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. તેવામાં અમુક ઠગબાજો તેમાંથી પણ ગેસ ચોરી કરી લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આવા જબે યુવકોની ધરપકડ કરી છે. જે ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેસ કટીંગ કરી કોમર્શિયલ ગેસના બાટલામાં ભરીને તેને બારોબાર વેચીને છેતરપિંડી આચરતા હતા.
ગોડાઉનમાં દરોડા પાડ્યા:અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલે બાતમીના આધારે દાણીલીમડા સિકંદર માર્કેટમાં આવેલા અમીન એસ્ટેટમાં આવેલા કે.જી.એન એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં મોહસીન ઉર્ફે પપ્પુ શેખ તથા રવિન્દ્ર જૈન નામના બે વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે ઘરેલુ ગેસના બાટલા કોઈ ડીલર કે ડિસ્ટ્રીબ્યુટર પાસેથી મેળવી લાવતા હતા. તે બાટલામાં રહેલા ગેસને અન્ય કોમર્શિયલ ગેસના બાટલામાં રિફીલ કરી માણસોની જિંદગી જોખમમાં મુકાય તે પ્રકારની પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું હતું.
મુદ્દામાલ કબજે: આ સમગ્ર મામલે તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને ગોડાઉનમાંથી 87 જેટલા અલગ અલગ સિલિન્ડર તેમજ 3 ઈલેક્ટ્રીક મોટર વજન કાંટો તેમજ હીટ ગન સહિત ગેસના બાટલા ઉપર સીલ મારવાની દોરી વાળી પ્લાસ્ટિકની કેપનો કબજે કર્યો છે. એમ અલગ અલગ વસ્તુઓ સહિત 3 લાખ 6 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને બાતમી મળી હતી. જે તપાસ કરતા ભાંડો ફૂટયો હતો.
આ પણ વાંચો Ahmedabad Murder Case: સરપ્રાઈઝ આપવા બોલાવી શરીરના કટકા કર્યા, ઉકરડામાં ફેંક્યું માથું
દિશામાં તપાસ શરૂ: આ મામલે આરોપીની તપાસ કરતાં સામે આવ્યું હતું કે ઇસનપુર વિસ્તારમાં રહેતા હરીસીંગ નામના વ્યક્તિ પાસેથી આ ગેસના સિલિન્ડર લીધા છે. જેથી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ મોહસીન ઉર્ફે પપ્પુ તેમજ રવિન્દ્ર જૈનને ઝડપી લીધો હતો. પોલીસે હરિસિંગ નામના વોન્ટેડ આરોપીને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.