અમદાવાદ : આરોપી જે તે કેસમાં ગુનેગાર સાબિત થયા બાદ જેલના સળીયા પાછળ દિવસો કાઢતા હોય છે. જોકે, મહત્વના કારણોથી નિયમાનુસાર કેદીને પેરોલ પર રજા આપવામાં આવતી હોય છે. પરંતુ આવા કેદી ક્યારે પેરોલ પર ગયા બાદ ફરાર થઈ જતા હોય છે. આવો જ એક હત્યાનો ગુનેગાર પેરોલ પર ગયા બાદ ફરાર હતો. જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
ક્રાઈમબ્રાંચની કામગીરી : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરેલા આરોપીઓને પકડવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ PI જેએચ સિંધવની ટીમ પેરોલ ફલો જમ્પ આરોપીને પકડવા માટે કાર્યરત હતી.
પેરોલ પર ફરાર હત્યારો : આ દરમિયાન PSI જીકે ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ અમદાવાદ શહેરમાં પેટ્રોલીંગમાં હતા. જેમાં પોલીસ દ્વારા બાતમીના આધારે વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિજય ઉર્ફે બકરો કાન્તીભાઈ જુગાભાઈ ચુનારાને પોલીસેે ઠક્કરનગર વિસ્તારના વસંતનગર પાણીની ટાંકી પાસેથી પકડી પાડ્યો હતો.
હત્યાનો ગુનેગાર : આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે 32 વર્ષીય આરોપી વિજય ઉર્ફે બકરો કાન્તીભાઈ જુગાભાઈ ચુનારા વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી વિરુદ્ધ IPC કલમ 302, 307, 352, 337, 114 તથા GP એક્ટની કલમ 135(1) હેઠળના આરોપ હતા. જેમાં હત્યાના કેસમાં ગુનેગાર સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે હતો.
પોલીસ કાર્યવાહી : કેદી નંબર 636 ને 5 જૂન 2023 થી 12 જૂન 2023 સુધી ગુજરાત હાઈકોર્ટ દ્વારા વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા. કેદીને 13 જૂનના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું, પરંતુ જે જેલ પર હાજર ન થયો અને વચગાળાના જામીન પરથી ફરાર થયો હતો. પોલીસે હાલમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં હવાલે કરવામાં આવ્યો છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ : આરોપીની પૂછપરછ દરમિયાન અન્ય વિગતો પણ સામે આવી હતી. જે અનુસાર આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી વિરુદ્ધ નરોડા, ધનકોલ, કૃષ્ણનગર, નિકોલ અને નારણપુરા પોલીસ સ્ટેશનમાં 20 થી વધુ ગુના નોંધાયેલા છે. જેમાં પ્રોહિબિશન એક્ટ, હત્યા, મારામારી અને લૂંટ સહિતના ગુનાનો આરોપ છે.