અમદાવાદ : અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જનતાનગર સંતોષી પાન પાર્લરની પાછળ સાતમી જુલાઈના રોજ યુવકની હત્યા મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ દ્વારા છરી વડે માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું અને જે મામલે અમરાઈવાડી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ હત્યાના ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ એકટીવા લઈને નાના ચિલોડા તરફથી એરપોર્ટ તરફ જવાના છે, જે બાતમીના આધારે ગોવિંદ ઉર્ફે ભૂરો મારવાડી, કુશાલ સિંગ રાજપૂત તેમજ રીસી પાંડે નામના આરોપીઓની ધરપકડ કરી છે.
આ અંગે બાતમીના આધારે ગુનામાં સામેલ 5માંથી 3 આરોપીઓને ઝડપી લેવાયા છે. ઝડપાયેલા આરોપીઓની સાથે ગુનામાં સામેલ બે આરોપીઓ વોન્ટેડ છે. આગળની તપાસ માટે આરોપીઓને અમરાઈવાડી પોલીસને સોંપાયા છે...બી.એસ. સુથાર(ક્રાઈમ બ્રાંચ પીઆઈ)
શું બની હતી ઘટના :આરોપીઓ સાતમી જુલાઈના રોજ રાત્રિના સમયે વરસાદ હોય જેથી એકટીવા ઉપર તેમાં તેઓના મિત્રો કિશન ઉર્ફે હડ્ડી ઠાકોર અને સુરજપાલ સાથે ફરતા ફરતા રાતના સમયે અમરાઈવાડી જનતાનગર સંતોષી પાન પાર્લરની પાછળ જાહેર રોડ ઉપર ગયા હતા. ત્યાં ઉભા હતા તે દરમિયાન ગોવિંદે તેના પહેરેલા કપડાં કાઢી નીચવતો હોય તે દરમિયાન અજાણ્યો વ્યક્તિ તેઓની પાસે આવી બોલાચાલી કરી ગાળા ગાળી કરવા લાગતાં તેની સાથે ઝપાઝપી થઈ હતી. જે દરમિયાન કિશન ઉર્ફે હડ્ડી તેની પાસે રહેલી છરી વડે તે વ્યક્તિને ઇજાઓ પહોંચાડી હતી. કુશાલ રાજપૂત વચ્ચે આવી જતા તેને છાતીના ભાગે છરી વાગી હતી. જેથી કિશને ફરીવાર અજાણ્યા વ્યક્તિને ઘા માર્યા હતા અને લોહી નીકળતા આરોપીઓ ત્યાંથી ભાગી ગયાં હતાં.
અમરાઈવાડી પોલીસને સોંપાશે : આ ઘટનામાં અનુપ મકવાણા નામના યુવકનુ મોત થયું હતું. અજાણ્યા ઈસમો સામે અમરાઈવાડી પોલીસ મથકે તેના ભાઈ અશ્વીન મકવાણાએ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો આ સમગ્ર મામલે પકડાયેલા આરોપીઓને અમરાઈવાડી પોલીસને સોંપવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે.