અમદાવાદ : અમદાવાદના એસજી હાઇવે ઉપર આવેલી એક હોટલમાંથી મિઝોરમની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. એસજી હાઇવે પર આવેલી હોટલ ક્રિષ્ના પેલેસમાં એક રૂમમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસના અધિકારીઓએ હોટલ ઉપર જઈને તપાસ કરતા બેડ ઉપર જ મિઝોરમની યુવતીનો મૃતદેહ જોવા મળ્યો હતો.
મૃતક યુવતી સ્પામાં નોકરી કરતી હતી : બોડકદેવ પોલીસે તપાસ કરતા મૃતક યુવતી સ્પામાં નોકરી કરતી હોય તે પ્રકારની હકીકત સામે આવી હતી. જોકે યુવતીના મૃતદેહ પર કોઈ પણ પ્રકારે ઈજાના નિશાન ન મળી આવતા તેના મોત પાછળના કારણો જાણવા માટે પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલીને વધુ તપાસ શરૂ કરી છે. 24 મીના રોજ સવારે સાત વાગે પહેલા યુવતીનું મોત થયું હોય આ અંગે સ્ટાફને જાણ થતા તેઓએ પોલીસને જાણ કરી હતી.
આ પણ વાંચો Kheda crime news: ખેડામાં ઝાડીમાંથી યુવાનનો માથા વિનાનો મૃતદેહ મળી આવ્યો
સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરુ : બોડકદેવ પોલીસે હોટલમાં જઈને તપાસ કરતા હોટલ ક્રિષ્ના પેલેસના રૂમ નંબર 303 માં મિઝોરમની રેબીકા એફ થનજાવા લલઓમપોઈ નામની 24 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલી તપાસ કરતાં સામે આવ્યું હતું કે મૃતક જ્યોતિ રેબેકા તેના મિત્ર નિશાંત કંસારા સાથે હોટલમાં રહેવા માટે આવી હતી. આ મામલે વધુ તપાસ કરવા માટે પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ પણ તપાસ કરવાના શરૂ કર્યા છે.
તેની સાથેના યુવકનું નામ નિશાંત કંસારા : મૃતક યુવતી અમદાવાદના નવરંગપુરામાં આવેલા એક સ્પામાં નોકરી કરતી હતી. રેબીકા તેના મિત્ર નિશાંત કંસારા, કે. લલઓમપોઈ તેમજ તેનો મિત્ર રફેલ હોટલ ક્રિષ્ના ખાતે રોકાવા આવ્યા હતાં. આ મામલે યુવતી સાથે હોટલના રૂમમાં તેનો મિત્ર નિશાંત કંસારા હાજર હતો અને તેણે જ 108 ને ફોન કર્યો અને બાદમાં તે 108 આવે એ પહેલાં જ હોટલમાંથી ફરાર થઇ ગયો હતો. જેની શોધખોળ પોલીસે શરૂ કરી છે.
આ પણ વાંચો Raipur Crime News : પ્રેમિકાની ડેડ બોડી સાથે રહેતો હતો પ્રેમી, રૂમમાં દુર્ગંધ આવતા થયો ખુલાસો
પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી : યુવતીનું મોત કયા સંજોગોમાં થયું અને તેના મોત પાછળ કયા કારણો જવાબદાર છે, તે જાણવા માટે બોડકદેવ પોલીસે મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. પીએમના પ્રાઇમરી રિપોર્ટ આવ્યા બાદ જ યુવતીના મોતનું સાચું કારણ જાણી શકાશે. આ મામલે બોડકદેવ પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ શરૂ કરી છે અને હોટલના સીસીટીવી અને રજીસ્ટર એન્ટ્રી પણ ચેક કરી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રની શોધખોળ શરુ : આ અંગે ઝોન 7 DCP બી.યુ જાડેજાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલ આ મામલે મૃતદેહને પેનલ પીએમ કરાવવામાં આવ્યું છે. વિશેરાનો રિપોર્ટ આવ્યા પછી જ મોતનું સાચું કારણ જાણી શકાશે. હોટલમાં તેની સાથે હાજર મિત્ર ભાગી ગયો હોવાથી તેની શોધખોળ હાથ ધરાઈ છે.