અમદાવાદ : અમદાવાદના નારોલમાં વેપારીને વ્યાજનાં ચક્રમાં ફસાવીને કરોડો રૂપિયાના દેવામાં ડુબાડી આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર ધર્મેશ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. અમદાવાદમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ધર્મેશ પટેલ અને તેના સાથેના રાજેશ પટેલ સામે કરોડો રૂપિયાની જમીન લાખો રૂપિયા આપી રજીસ્ટર દસ્તાવેજ કરી અન્ય રકમ ન આપી જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેને લઈને અરજીના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે સાબરમતી જેલમાંથી ધર્મેશ પટેલને ટ્રાન્સફર વોરંટના આધારે પકડી એની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
આરોપી ધર્મેશ પટેલ દ્વારા કોઈ વ્યક્તિને વ્યાજે પૈસા આપી તેની સિક્યુરીટી પેટે મિલ્કત લખાવી લેવામાં આવે છે અને એ મિલ્કત ઉપર લોન લઈને એ પૈસા પણ વ્યાજે આપવામાં આવે છે. તપાસ દરમિયાન ધર્મેશ પટેલ અને તેના સાગરીતોની ડમી કંપનીઓ પણ સામે આવી છે. હાલ તેઓના નાણાંકીય વ્યવહારોની તપાસ ચાલુ છે. આ મામલે અન્ય સંબંધિત એજન્સીઓને પણ આગામી સમયમાં જાણ કરવામાં આવશે...ભારતી પંડ્યા(આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી)
750 કરોડનો આસામી : આ મામલે પકડાયેલો ધર્મેશ પટેલ પોતાને 750 કરોડનો આસામી ગણાવે છે, ત્યારે તેની સામે વધુ એક ફરિયાદ છેતરપિંડીની દાખલ થઈ છે. જેમાં 3 કરોડ 27 લાખ રૂપિયા ન આપીને આરોપીએ ખેડૂત સાથે છેતરપિંડી કરી હતી. બોપલ તાલુકામાં આવેલી ખેતીની જમીન ફરિયાદી કમળાબેન ભાટી તેમજ તેના પતિ સુભાષ ભાટી પાસે ધર્મેશ પટેલે અને તેની સાથે રાજેશ પટેલે 3 કરોડ 47 લાખમાં ખરીદવાનું નક્કી કર્યું હતું અને સોદા પેટે 20 લાખ રૂપિયા રોકડા આપ્યા હતાં.
કીમતી જમીન હડપ કરવાનું ષડયંત્ર : જમીનનો દસ્તાવેજ 18મી માર્ચ 2008થી રજીસ્ટર કરાવી તેમજ એમઓયુ કરીને નક્કી કરેલી અવેજની રકમ 3 કરોડ 47 લાખ પૈકી માત્ર 20 લાખ રૂપિયા આપી બાકીની 3 કરોડ 27 લાખ રૂપિયાની રકમ ન ચૂકવી ફરિયાદીની જમીન પચાવી પાડવાનું ષડયંત્ર રચ્યુ હતું. ફરિયાદીએ દસ્તાવેજ રદ કરાવવા માટે દીવાની કોર્ટમાં દાવો કર્યો હતો, જે દીવાની દાવાના કામે 3 ફેબ્રુઆરી 2012ના રોજ આરોપીએ ફરિયાદીની બનાવટી સહી કરી બનાવેલા એમઓયુ ફરિયાદીની માલિકીની તેમજ કીમતી જમીન હડપ કરવાના ઇરાદે સાચા તરીકે પોતાના જવાબ તરીકે કોર્ટમાં રજૂ કરી હોવાની હકીકત જણાવતા આ મામલે ફરિયાદી કમળાબેન ભાટી અને આરોપી ધર્મેશ પટેલ તેમજ રાજેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે.
ધર્મેશ પટેલ અને તેની ગેંગ સામે પાંચ અરજીઓ : અગાઉમાં નારોલ પોલીસ મથકે નોંધાયેલા વ્યાજખોરી કેસમાં ધર્મેશ પટેલ સહિતના અનેક લોકો સામે ફરિયાદ નોંધાતા તે કેસની તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને ઈન્ચાર્જ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. તે કેસમાં પોલીસે જે પણ અન્ય લોકો આરોપીઓનો શિકાર બન્યા હોય તેઓને સંપર્ક કરવાનું કહેતા આર્થિક ગુના નિવારણ શાખામાં અત્યારે સુધીમાં કુલ પાંચ જેટલી અરજીઓ ધર્મેશ પટેલ અને તેની ગેંગ સામે મળી છે.
EOW એ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી : જેમાંથી આ અરજીમાં તમામ બાબતો તપાસ કર્યા બાદ ગુનો આચરવામાં આવ્યો હોવાનું ધ્યાને આવતા EOW એ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જોકે હજુ પણ ધર્મેશ પટેલ અને તેની ગેંગ સામે આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીની છેતરપિંડીની ચાર જેટલી અરજીઓ આર્થિક ગુના નિવારણ શાખામાં હોઇ આગામી દિવસોમાં ધર્મેશ પટેલ અને તેના સાગરિતો સામે નવા ગુના નોંધાય તેવી શક્યતાઓ સેવાઈ રહે છે.