- કોરોના વાઇરસ સામે દેશે આપી લડત
- પહેલી અને બીજી લહેરમાંથી દેશ ધીમે ધીમે નીકળી રહ્યો છે બહાર
- ત્રીજી લહેરની આશંકાને ધ્યાને રાખી કરવામાં આવી રહી છે તૈયારીઓ
અમદાવાદ: દેશમાં કોરોના વાઈરસના કારણે હાહાકાર મચી ગયો છે. કોરોના વાઈરસની પહેલી અને બીજી લહેરે એકસાથે કેસોમાં સતત વધારો થતો જોવા મળ્યો હતો. ત્યારે જો અમદાવાદ શહેરની વાત કરીએ તો, કોરોના વાઈરસની બીજી લહેરમાં એક સાથે કેસમાં વધારો થઈ જવાના કારણે સિવિલ હોસ્પિટલ સહિત મોટાભાગની હોસ્પિટલો બહાર દર્દીઓની લાંબી કતારો જોવા મળતી હતી. ત્યારે ત્રીજી લહેરને લઈ અમદાવાદ વાસીઓને સમયસર સારવાર મળી રહે તે માટે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ સહિત રાજ્યના તમામ હોસ્પિટલ પ્રશાસન સાબદા થયા છે.
આ પણ વાંચો: વતનનું ઋણઃ અમેરિકા અને UKમાં વસતાં ડૉકટરે 90 કોન્સન્ટ્રેટર સિવિલ હોસ્પિટલને દાન કર્યા
કોરોનાની ત્રીજી લહેર પણ આવશે જે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થવાની આશંકા
દેશમાં કોરોના મહામારીના કારણે એક્સપર્ટે હાલ સંકેત આપ્યા છે કે, કોરોનાની ત્રીજી લહેર પણ આવશે જે સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થવાની આશંકા દર્શાવવામાં આવી છે. આથી દેશમાં વધુમાં વધુ લોકોને વેક્સિન આપવી જોઈએ. તેઓએ વધુમાં કહ્યું કે, આપણે મહદઅંશે શ્રેષ્ઠ કામગીરી કરીએ છીએ. આપણે કોરોનાની બીજી લહેરનો શ્રેષ્ઠ રીતે સામનો કર્યો છે આ જ તેનું પરિણામ છે કે, નવા કેસો ઝડપથી ઘટી રહ્યા છે.
બીજી લહેરમાં બેડ, ઓક્સિજન ખૂટી પડ્યા હતા, દર્દીઓ અને પરિવારજનોને રડવાનો આવ્યો હતો વારો
કોરોના વાઈરસની બીજી લહેરમાં એક સાથે કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો હતો. જેના કારણે રાજ્યમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને રડવાનો વારો પણ એક સમયે આવી ગયો હતો. એકસાથે કેસોમાં વધારો થવાના કારણે સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યની મોટાભાગની હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોની કફોડી હાલત જોવા મળી હતી. ત્યારે આ પ્રકારની સ્થિતિ ફરી ઉભી ન થાય તે માટે થઈ ગુજરાત સરકાર અને રાજ્યની તમામ હોસ્પિટલમાં ત્રીજી લહેરની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
એશિયાની સૌથી મોટી હોસ્પિટલે ત્રીજી લહેરની તૈયારીઓ કરી શરૂ
એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. 1200 બેડની હોસ્પિટલમાં સમગ્ર 1200 બેડ ઓક્સિજનના તૈયાર કરવાના આદેશ આપી દેવાયા છે બીજી લહેરમાં 500 જેટલા બેડ ઓક્સિજનવાળા હતા તે વધારીને હવે સમગ્ર 1200 બેડ હોસ્પિટલને ઓક્સિજન સજ્જ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ દર્દીઓ વધે તો સિવિલ હોસ્પિટલ સંચાલિત હોસ્પિટલ કેન્સર, કિડની, જી.સી.એસ અને સ્પાઇન હોસ્પિટલમાં પણ બેડ વધારવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે
350થી વધારે ઓક્સિજન કંસ્ટ્રેટરરનો ઉપયોગ દર્દીઓની સારવાર પાછળ કરવામાં આવશે
સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીજી લહેરમાં અનેક આફતોનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ત્રીજી લહેરને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના અનુસંધાને નવો ઓક્સિજન પ્લાન્ટ સિવિલ હોસ્પિટલમાં બનાવવામાં આવી રહ્યો છે. જેમાં 600 લિટર એક મિનિટમાં સપ્લાય કરી શકે તે પ્રકારે ક્ષમતાનો પ્લાન્ટ તૈયાર કરાયો છે. સિવિલ હોસ્પિટલમાં ત્રીજી લહેર પહેલા ત્રણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. 350થી વધારે ઓક્સિજન કંસ્ટ્રેટરરનો ઉપયોગ દર્દીઓની સારવાર પાછળ કરવામાં આવશે.