અમદાવાદઃ વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર વિશ્વ lock down એટલે કે સ્વૈચ્છિક કરફ્યુમાં બંધ છે અને છેલ્લા એક મહિનાથી લોકો પોતાના ઘરોમાં કેદ છે. સરકાર દ્વારા પણ નાનામાં નાના વર્ગની પ્રજાનું ધ્યાન રાખી અને કોઈપણ ગરીબ ભૂખ્યો ન રહી જાય તે માટે મફત અનાજ વિતરણ પણ કરવાનો હુકમ કરવામાં આવેલો છે. આ રીતે પ્રજાને ભૂખ્યા રહેવાનો વારો ન આવે તે માટે સરકાર દ્વારા દરેકને અનાજની કિટ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
હમણાં થોડાક સમય પહેલાં જ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં અનાજ કિટ વિતરણ માટે કોર્પોરેશનની ગાડી આવી હતી તેમાંથી લોકોએ રીતસરની અનાજ કિટંની લૂંટ ચલાવી હતી. અને એકસાથે સંખ્યાબંધ લોકોના ટોળાં એકત્ર થઇ અને આ અનાજ લૂંટી ગયાં હતાં ત્યારબાદ આજે કોર્પોરેશન દ્વારા વ્યવસ્થિત રીતે એક એક વ્યક્તિને બોલાવી અને કિટ વિતરણ કરવામાં આવી હતી. પરંતુ ચોંકાવનારી હકીકત એ છે કે ગરીબોને મફત અનાજ વિતરણ યોજના હોવા છતાં પણ આ કોર્પોરેશનના અધિકારી દ્વારા ખુલ્લેઆમ એક ડબ્બો મૂકવામાં આવ્યો છે, જેમાં પૈસા નાંખ્યા પછી જ તેમને અનાજની કીટ આપવામાં આવે છે.1 કિલો લોટ લેવો હોય તો 20 રૂપિયા જ્યારે પાંચ કિલો લોટના સો રૂપિયા અને એક કિલો તેલના સો રૂપિયા એમ ટોટલ 200 રૂપિયા ડબ્બામાં નાખવા પડે છે. ત્યારબાદ 200 રૂપિયા આપી અને તેમને અનાજ અને તેલ મળે છે. હાલમાં છેલ્લાં એક મહિનાથી વધુ સમયથી સમગ્ર ભારતમાં ધંધારોજગાર બંધ છે. જ્યારે ગરીબો પણ આવકનું કોઈ સાધન ન હોવા છતાં પણ તેમણે ફરજિયાતપણે જીવન જરૂરિયાતની પાયાની વસ્તુઓ તેલ અને લોટ લેવા માટે પણ જો કોર્પોરેશનના અધિકારીઓને રુપિયા આપવા પડતા હોય તો ગરીબ પાસે પૈસા ન હોય તેવા ગરીબોને અનાજ મળી જ ન શકે.
સરકારના લોકો ગરીબ લોકોને અનાજ મફત આપવાનું કહીને ગરીબ પાસેથી પૈસા લે છે. જે સરકારી તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીઓએ માણસોને અહીં મોકલ્યાં છે, તેનું હાલમાં લાઈવ પૈસા લેતો વિડીયો જોઈ શકાય છે.