અમદાવાદ : રાજ્યમાં ઘણા દેવી-દેવતાઓના ઐતિહાસિક અને પ્રાચીન મંદિરો આવેલા છે. અમદાવાદના વિવિધ મંદિરો છે જ્યાં દેવી અને દેવતાઓએ પોતાની અલૌકિક શક્તિ કે ચમત્કારનો પરિચય આપ્યો હોય છે. ત્યારે અમદાવાદ શહેરના ઓલ્ડ હાઇકોર્ટના વિસ્તારમાં આવેલા 400 વર્ષ જૂનું અંબાજી માતાનું મંદિર એક ઐતિહાસિક અને પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં અંબાજીમાં આવેલા મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવેલી છે. આ મંદિરમાં માતાજી સાક્ષાત કંકુના પગલાં પાડેલા છે. આ મંદિરમાં આવેલા દરેક લોકોની મનોકામનાઓ પૂરી થાય છે અને માતાજીએ હાજરાહજૂર પોતાનો પરિચય પણ કરાવેલો છે.
કેવી રીતે મંદિર આવ્યું પ્રકાશમાં : આ મંદિરના મુખ્ય ટ્રસ્ટી નટુમામા ઉર્ફ નટવર પટેલે જણાવ્યું હતું કે, નવરંગપુરામાં આવેલું આ મંદિર 400 વર્ષ જૂનું મંદિર છે. વર્ષ 1980માં એક બહેનને નવરાત્રીના દિવસો દરમિયાન સ્વપ્નમાં માતાજીના દર્શન થયા હતા. ત્યારબાદ આ વિશેની તપાસ કરતા અહીંયા માતાજીનું મંદિર હતું અને આ મંદિરનું અમે રીડેવલોપમેન્ટ કરાવ્યું હતું. જેવું મોટા અંબાજીમાં મંદિર છે એવું જ મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે.
મંદિરમાં માતાજીના ચમત્કારો : આ મંદિરમાં ગબ્બર, ગૌમુખ, 51 શક્તિપીઠ, બાર જ્યોતિર્લિંગ અને માતાજીના જે ચમત્કારો થયેલા છે એ આ મંદિરમાં લખવામાં આવ્યા છે. આ મંદિરમાં માતાજી હાજર હજૂર છે એવા અનેક પરચાઓ લોકોને મળેલા છે. માતાજીએ આ મંદિરમાં સાક્ષાત બે વખત કુમકુમના પગલાં પાડેલા છે. સૌપ્રથમ માતાજી વર્ષ 2018માં અષાઢ સુદ બારના માતાજીએ સવારે 9:00 કલાકેની આસપાસ પગલા પાડ્યા હતા. ત્યારબાદ વર્ષ 2021માં અષાઢ ચારમાં સાંજે 8:00 કલાકે સાક્ષાત માતાજીએ કુમકુમ પગલાં કર્યા હતા. માતાજીએ પાડેલા પગલાંના ફોટામાં પણ છે.
આ પણ વાંચો : Kutch News : વાંઢાયમાં કડવા પાટીદાર સમાજનો ઉમિયા મંદિર અમૃત મહોત્સવ, નવી પેઢીના ધર્મ સંસ્કાર મજબૂત થશે
ભક્તોની માન્યતા : મંદિરની દસ વર્ષથી મુલાકાત લેતા ભક્ત જીજ્ઞાબેન મજમુદારે જણાવ્યું હતું કે, મેં મારી સામે જ આ મંદિરમાં ઘણા ચમત્કારો થતા જોયા છે. મારા અનેક કામો અહીંયા માત્ર મનોકામના રાખવાથી પૂર્ણ થયા છે. મંદિરના દરવાજામાંથી બહાર નીકળો ત્યાં જ ફોન આવી જાય છે કે, તમારું કામ થઈ ગયું છે. પ્રોફેશનલ રીતે હું વિઝા કન્સલ્ટન્ટનું કામ કરું છું. લોકોના વિઝાને પ્રોસેસ મેળવવા માટે જ્યારે મારાથી કામ અટકી જતું હોય છે, ત્યારે માત્ર માતાજીને પ્રાર્થના કરવાથી મારું કામ થઈ ગયું છે. માં અંબાએ જ્યારે મંદિરમાં સાક્ષાત કુમકુમ પગલા પાડ્યા હતા. તે મેં મારી નજરો નજર સામે જોયેલા છે. મારા પરિવાર પર આવતી અનેક મુશ્કેલીઓને પણ માતાજીએ હંમેશા દૂર કરી છે.
આ પણ વાંચો : Chaitra Navratri 2023: વાઘેશ્વરી મંદિર, જ્યાં નવાબ પણ શીશ નામાવતો
નવરાત્રીમાં થતાં કાર્યક્રમો : નવરાત્રીના દિવસો દરમિયાન મંદિરમાં આઠમના દિવસે હવન થાય છે. દશમના દિવસે પારણા કરવામાં આવે છે. મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. આ મંદિરમાં માત્ર દર્શન માત્રથી જ લોકોને મનમાં શાંતિનો અનુભવ થાય છે. જ્યાં માતાજીની હાજરાહજૂર બિરાજમાન છે. એવું 400 વર્ષ જૂનું મંદિર જ્યાં દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય છે.