અમદાવાદ પોલીસે માણેક ચોકથી કન્ટ્રોલ મેસેજના આધારે એક વ્યક્તિની અટકાયત કરી હતી. પોલીસએ કરેલી પૂછપરછમાં આરોપી ગિરીશ વર્મા મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીએ લોકો સાથે યુપીમાં પણ અનેક પ્રકારના સરકારી ટેન્ડરો અપાવવા બાબતે નાણાં લઈ છેતરપિંડી આચરી હોવાની વિગત જાણવા મળી હતી. તેમજ આરોપી સાથે ભાજપના દિગ્ગજ નેતાઓના ફોટા પણ સામે આવ્યાં હતાં.
ભોગ બનનારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "આ વ્યક્તિએ નેતાઓ સાથે ફોટા પડાવીને તેમને ચૂંટણીમાં ટિકિટ અપાવવાનું કહીને લાખો રૂપિયા પડાવતો હતો." શનિવારના રોજ માણેક ચોક ખાતે સ્ક્રેપ માટે કરોડો રૂપિયાની ડીલ કરતો હતો. તે દરમિયાન આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસે પૂછપરછ કરીને આરોપી ગિરીશ વર્માને ટ્રાન્સફર વોરંટના આધારે યુપી પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપ્યો હતો.