અમદાવાદ: કોરોના સંક્રમણે વિશ્વ આખાને તેના ભરડામાં લીધું છે. ગુજરાત પણ તેમાંથી બાકાત રહ્યુ નથી. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય અને તમામ દર્દીઓની એક જ જગ્યાએથી સારવાર કરી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની નવી હોસ્પિટલને કોરોના દર્દીઓની સારવાર માટેની હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. જેમાં દર્દીના ખબર અંતર પૂછવા આવતા લોકો માટે વીડિયો કોલની સુવિધા શરુ કરવામાં આવી છે.
હેલ્પ ડેસ્કમાં ઊભી કરવામાં આવેલી આ સગવડ ખાતે પાંચ મોબાઈલ ફોન રાખવામાં આવ્યા છે. જેના દ્વારા દર્દીના સગાઓ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દી સાથે વાતચીત કરી શકે છે. આ ઉપરાંત હોસ્પિટલના દરેક વોર્ડમાં પણ મોબાઈલ ફોન રાખવામાં આવ્યા છે કે જેના દ્વારા દર્દીના સગાને દાખલ કરવામાં આવેલ દર્દી સાથે વાત કરાવાય છે. સિવિલ હોસ્પિટલમાં આવા જ એક દર્દીના સગા રૂબીનાબેન આવ્યા હતા. તેમના મમ્મી કે જે 65 વર્ષના છે. તેમનું નામ હસીનાબીબી અબ્દુલ રહેમાન મહેરબાન તેઓ હોસ્પિટલમાં દાખલ છે.
રૂબીનાબહેન જણાવ્યું હતું કે મારી માતાને માત્ર બે દીકરીઓ છે. જેમાંની હું અમદાવાદમાં રહું છું. બીજી દીકરી બીજે રહે છે, લોકડાઉનને કારણે હોસ્પિટલ ખાતે આવી શકે તેવી સ્થિતિમાં નથી. માતાને રૂબરૂ મળવાની ખૂબ જ ઇચ્છા છે, પરંતુ કોરોનાના સંક્રમણની લીધે તે માતાને મળી શકતી નથી. તેવા સમયે આ વીડિયો કોલિંગની સગવડ મારા માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે.સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા વીડિયો કોલિંગ માટે પાંચ મોબાઇલની અલગથી વ્યવસ્થા કરાઈ છે. જેના દ્વારા દર્દીના સગા હોસ્પિટલમાં દાખલ દર્દી સાથે પોતે બાજુમાં બેઠા હોય તેવા અનુભવ સાથે વાત કરી શકે છે.