અમદાવાદ : શહેરમાં યોજાનાર 146મી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા પોલીસ દ્વારા બેઠકો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજ્ય પોલીસ વિકાસ સહાય શાહીબાગમાં અમદાવાદ શહેર કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. શહેર પોલીસ દ્વારા DGP ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કમિશનર કચેરીએ કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા : 146મી ભગવાન જગન્નાથની રથયાત્રાને આડે હવે માત્ર એક મહિનાનો સમયગાળો બાકી રહી ગયો હોય તેને અનુલક્ષીને DGP દ્વારા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જે બેઠકમાં અમદાવાદ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ યાદવ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાને લઈને આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર કચેરીએ યોજાયેલી DGP ક્રાઈમ કોન્ફરન્સમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રથયાત્રા એક્શન પ્લાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
પોલીસ માટે પડકાર : ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા દર વર્ષે પોલીસ માટે ખૂબ જ મોટો પડકાર સાબિત થતી હોય છે. જેમાં રાજ્યભરમાંથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાતા હોય છે, ત્યારે શહેર પોલીસ દ્વારા આ વખતે ટેકનોલોજીનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવશે, ત્યારે પોલીસ દ્વારા રથયાત્રા પહેલા અને રથયાત્રના દિવસે ગોઠવવામાં આવતા બંદોબસ્તને લઈને આ મીટીંગમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કમિશનર કચેરીમાં યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં એપ્રિલ 2023માં અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અને અન્ય બાબતોને લઈને પણ શહેર પોલીસ દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ પોલીસ વડાને રજૂ કર્યો હતો.
Ahmedabad Crime : રથયાત્રા પહેલા ખાખી એક્શનમાં, વહેલી સવારે કોમ્બિંગમાં આટલા ગુનેગાર ઝડપાયા