અહેમદ પટેલે જુબાનીમાં જણાવ્યું કે, અમે કોઈપણ ધારાસભ્યને લાંચ આપી કે ડરાવ્યા-ધમકાવ્યા નથી. 44 ધારાસભ્યોને બેંગલોર મોકલવાનો નિર્ણય મારો નથી પરતું કોગ્રેસ પ્રદેશ કમિટી દ્વારા લેવામાં આવ્યો હતો. ધારાસભ્ય જ્યારે બેંગલોરમાં હતા ત્યારે વ્યકિતગત સંપર્ક ન હોવાનો પણ એકરાર કર્યો હતો. પૂર્વ ગુજરાત કોગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા માહિતી આપવામાં આવતી હોવાની કબુલાત કરી હતી. હાઈ-કમાન્ડની બેઠકમાં રાજ્યસભા માટે નામ નક્કી થતાં 27મી ઓગસ્ટના રોજ સૌ-પહેલાં બળવંતસિંહ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હતું.
બળવંતસિંહ રાજપુતના વકીલ સત્યપાલ જૈને આક્ષેપ કર્યો કે, ધારાસભ્યોના બળજબરીપૂર્વક મત મેળવવા માટે પોલિંગ એજન્ટ શકિતસિંહ ગોહિલ અને વિરોધ પક્ષના નેતા મોહનસિંહ રાઠવા દ્વારા વ્હીપ ઈશ્યુ કરી અહેમદ પટેલને મત આપવા ડરાવવા-ધમકાવવાનો આરોપ અહેમદ પટેલે ફગાવી દીધો હતો. ધારાસભ્યોને જ્યારે બેંગલોર મોકલાવાના નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે ભરતસિંહ સોલંકીને આવું કઈ ન કરવાની ભલામણ કરી હતી. ધારાસભ્યોના બેંગલોર પહોચ્યા બાદ ત્યારથી અમદાવાદ પરત ફર્યા ત્યાં સુધી વ્યકિતગતરૂપે કોઈ ધારાસભ્ય મને ન મળ્યા હોવાની જુબાની કોર્ટ સમક્ષ આપી હતી. એટલું જ નહી પણ ધારાસભ્યો બેંગલોરમાં શું કરી રહ્યાં છે તેની તપાસ પણ કરી નથી.
અગાઉ જુબાનીમાં અહેમદ પટેલે જણાવ્યું હતું કે ઓબ્ઝર્વર અને પોલિંગ એજન્ટની નિમણુંક અશોક ગેહલોત દ્વારા કરવામાં આવી હતી, જો કે સોમવારે તેને ફેરવી તોડતા જણાવ્યું કે, જનાર્દન ત્રિવેદી દ્વારા નિમણુંક કરાઈ હતી. શકિતસિંહ ગોહિલ અને મોહનસિંહ રાઠવા દ્વારા 7 ધારાસભ્યોને ગેરલાયક ઠારવવા અંગે રિટ કરી હોવાની જાણ ન હોવાની અહેમદ પટેલે કબુલાત કરી હતી.
આ સમગ્ર કેસની વિગત જાણીએ તો વર્ષ 2017 રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફે આક્ષેપ કરવામાં આવ્યો કે તેમના બે ધારાસભ્ય રાવજી પટેલ અને ભોળાભાઈ ગોહિલે નિયમ વિરુદ્ધ જઈને પાર્ટીના પોલિંગ એજન્ટ સિવાય અન્ય લોકોને મતપત્રક બતાવ્યા હતા અને ત્યારબાદ ભારે ધમાલ થઈ હતી. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરાતા બંને ધારાસભ્યોના મતને ગેરકાયદેસર ગણવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસના અહેમદ પટેલના 44 મત અને બળવંતસિંહના 38 મત થઈ જતા અહેમદ પટેલનો વિજય થયો હતો અને એ જીતને રદ કરવા હાઇકોર્ટમાં રિટ કરાઈ હતી.