•ગરીબ પરિવારનો દીકરો એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ જોડાયો
•રણમાં મીઠું પકવતા અગરિયાનો દીકરો એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ બન્યો
•માતા-પિતા માટે પુત્ર સાચા અર્થમાં શ્રવણ બન્યો
વિરમગામઃ પાટડી નાના રણમાં ગરીબ પરિવાર મીઠું પકવીને દીકરા શ્રવણને ભણવા માટે કાળી મજૂરી કરી જે આખરે તેમની મહેનત રંગ લાવી છે. રણમાં મીઠું પકવવાનું કામ કરતા ગોપાલભાઈ છનુરા જેઓ પોતે નિમકનગર રહે છે અને મીઠું પકવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોપાલ ભાઇનો નાનો દીકરો શ્રવણ એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ બનતા પરિવારની સાથે રણ પ્રદેશનું ગૌરવ વધાર્યું છે.
શ્રવણનો અભ્યાસ
ગોપાલભાઈનો નાનો દીકરો શ્રવણ ધાંગધ્રા નિમકનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ ધોરણ 9થી 12નો અભ્યાસ હળવદ ખાતે પૂર્ણ કરી મેડિકલ અભ્યાસ માટે લીમડી મેડિકલ કોલેજમાં પ્રવેશ લીધો હતો અને એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટની તમામ પરીક્ષાઓ સફળતા પૂર્વક પાસ કરી હતી. આમ અગરિયાનો પુત્ર હવે એરફોર્સમાં જવાનોના આરોગ્યને તપાસવાનું કામ કરશે.
નાના ભાઇના અભ્યાસ માટે મોટા ભાઇ અને બહેનોએ અભ્યાસ મૂક્યો
આ અંગે શ્રવણ જણાવ્યું હતું કે, મારા માતા-પિતા રણમાં મીઠું પકવી કાળી મજૂરી કરે છે. માટે મેડિકલ કોલેજમાં જવાનો ખર્ચ પિતા ઉઠાવી શકે તેમ ન હતા, આથી મોટાભાઈ અભ્યાસ છોડી માતા-પિતાની સાથે મીઠું પકવવામાં લાગી ગયા અને બે બહેનો અભ્યાસ છોડી ઘરકામ કરવા લાગી હતી. પરંતુ આર્થિક પરિસ્થિતિ એવી હતી નહીં કે માં-બાપ ભાઈ-બહેન મંજૂરી કરી શ્રવણને મેડિકલમાં અભ્યાસ કરાવી શકે.
અગરિયા યુવાનનો મેડિકલ અભ્યાસનો ખર્ચો અગરિયા હિત રક્ષક મંચે ઉપાડ્યો હતો
કહેવાય છે ને કે, ઉપરવાળો નિરાશ કરતો નથી. શ્રવણને ભણવું હતું આથી અગરિયા હિત રક્ષક મંચના હરણેશભાઈ પંડ્યા,પંક્તિ બેન જોગ,ભરતભાઈ સામેરા સહિતના આગેવાનોએ અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો હતો. આખરે શ્રવણની મહેનત રંગ લાવી છે. શ્રવણે મા-બાપનું નામ રોશન કર્યું અને ગરીબ સામાન્ય રણમાં મીઠું પકવતા અગરિયાનો દીકરો એરફોર્સમાં મેડિકલ આસિસ્ટન્ટ બનતા પંથકમાં ચારે બાજુ આનંદની લાગણી છવાઈ ગઈ છે.