અમદાવાદ: મસ્જિદોના લાઉડ સ્પીકરોમાં થતી અઝાન મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં જે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે તેમાં સુનાવણી હાથ ધરાઈ હતી. દિવસમાં જ તેમ જ વહેલી સવારે વારંવાર થતી અજાનના કારણે લોકોને નુકસાન થાય છે. ધ્વનિ પ્રદૂષણ પણ થાય છે તેમજ લોકોને તકલીફ થતી હોવાથી આ અરજી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આજની સુનાવણીમાં હાઇકોર્ટે સરકારને આ મુદ્દે સોગંદનામુ કરવા માટે હુકમ કર્યો છે.
લાઉડ સ્પીકરમાં થતી અઝાનનો વિવાદ: અરજદાર તરફથી હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી સવારે ચારથી પાંચ વાગ્યે લાઉડ સ્પીકરોમાં જે અઝાન વાગતી હોય છે તેના કારણે લોકોની ઊંઘ ખરાબ થતી હોય છે તેમજ આ મુદ્દાના વિડીયો પણ કોર્ટમાં રજૂ કરાયા હતા. અરજદાર દ્વારા આ વિશે વાત રજૂ કરવા માટે અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને પણ ટાંકવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ નિર્ણયમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, નમાઝ અને અજાન મુસ્લિમ ધર્મના પ્રાર્થનાનો અભિન્ન અંગ છે પરંતુ લાઉડ સ્પીકર તેમજ માઇક્રોફોન તેના અભિન્ન અંગ નથી લોકોને મુશ્કેલી પડે તેમજ ખલેલ પડે તેવી રીતે ધર્મના સ્વાતંત્ર્યના અભિગમનું ઉપયોગ કરી શકાય નહીં.
હાઇકોર્ટની ટકોર: આ મુદ્દે હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ એડવોકેટ જનરલને ટકોર કરી હતી અને આ મામલે વિગતવાર રિપોર્ટ રજુ કરવા માટે આદેશ કર્યો છે. સરકારે 29 જૂન સુધીમાં આ સોગંદનામુ રજૂ કરવાનો રહેશે. અત્રે મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરના ડોક્ટર ધર્મેન્દ્ર પ્રજાપતિ દ્વારા મસ્જિદ પરના લાઉડ સ્પીકર મુદ્દે અગાઉ એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં ડોક્ટરના દવાખાનાની પાસે જ મસ્જિદમાં સ્પીકર વગાડવામાં આવતી હોવાના કારણે તેમને ધ્વનિ પ્રદૂષણ અને મનુષ્યના સ્વાસ્થ્ય માટે ધાનિકારક છે એવી રજૂઆત કરવામાં આવી હતી.
વધુ સુનવણી 29 જૂનના રોજ: જોકે અરજદારે આ દાખલ કરેલી પીઆઈએલના કારણે તેમને ધમકીઓ મળતી હતી. જેના પરિણામે તેમણે આ અરજી પાછી ખેંચી લીધી હતી પરંતુ ત્યારબાદ બજરંગદળના શક્તિસિંહ ઝાલા દ્વારા આ પીઆઈએલમાં ફરિયાદી બનવાની અરજી કરી હતી. જેને હાઈકોર્ટ સ્વીકારી હતી અને ત્યારબાદ આ સમગ્ર કેસ ફરીથી હાઇકોર્ટમાં ચાલ્યો હતો. આ સમગ્ર મામલે વધુ સુનવણી 29 જૂનના રોજ હાથ ધરવામાં આવશે ત્યારે રાજ્ય સરકાર તરફથી પણ સોગંદનામું રજૂ કરવામાં આવશે.