અમદાવાદ : ગણપતિ મહોત્સવના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશની અંદર તડામાર શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ લોકોને માટીના ગણપતિની મૂર્તિનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવે છે. પરંતુ હજુ પણ શહેરના અનેક લોકો પીઓપીમાંથી બનેલી મૂર્તિનો ઉપયોગ કરતા હોય છે. લોકો વધુમાં વધુ માટીના ગણપતિની મૂર્તિનો ઉપયોગ કરે તે માટે અમદાવાદની એક સંસ્થાએ ખાસ પહેલ કરી છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ACT ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ શહેરના લોકોને મફતમાં માટીના ગણપતિની મૂર્તિનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમાંથી જે પણ દાન પ્રાપ્ત થાય છે તે ગરીબ બાળકોના અભ્યાસ માટે ખર્ચ કરી રહ્યાં છે.
ACT ફાઉન્ડેશની પહેલ : ACT ફાઉન્ડેશન સંસ્થાપક પ્રતીક બચાણી ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, હાલના સમયમાં મોટાભાગના લોકો POPની ગણપતિ મૂર્તિ લેવાનો આગ્રહ કરતા હોય છે. દસ દિવસ બાદ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવતું હોય છે. તે મૂર્તિ વિસર્જન કરવાની જગ્યાએ કોઈ કેનાલ કે તળાવની બહાર ગંદકીમાં પડેલી જોવા મળતી હોય છે. તેને લઈને વિચાર આવ્યો અને માટીની મૂર્તિનો ઉપયોગ લોકો વધુમાં વધુ કરે તે માટે લોકોને મફતમાં ગણપતિ મૂર્તિ આપી રહ્યા છીએ. પરંતુ તેમાંથી જે પણ દાન મળે તે ગરીબ બાળકોના અભ્યાસ માટે ખર્ચ કરવામાં આવે છે.
માટીની મૂર્તિનો ઉપયોગ લોકો વધુમાં વધુ કરે તે માટે લોકોને મફતમાં ગણપતિ મૂર્તિ આપી રહ્યા છીએ. પરંતુ તેમાંથી જે પણ દાન મળે તે ગરીબ બાળકોના અભ્યાસ માટે ખર્ચ કરવામાં આવે છે. -- પ્રતીક બચાણી (સંસ્થાપક, ACT ફાઉન્ડેશન)
નિઃશુલ્ક ગણપતિ મૂર્તિ : પાટણ ખાતે આવેલ ક્રિષ્ના સહયોગ ગ્રુપ દ્વારા સ્લમ વિસ્તારના ગરીબ બાળકોને ખૂબ ઓછા દરે ભણાવવામાં આવી રહ્યા છે. ત્યારે તે બાળકોએ માટીના અંદાજિત 350 જેટલી ગણપતિ મૂર્તિ બનાવીને કુરિયર મારફતે અમદાવાદ મોકલવામાં આવી હતી. તે બાળકોને અમુક રકમ પણ ACT ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી છે. આ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ શહેરમાં જે પણ લોકો ફોન કરે તેમને ગણપતિ મૂર્તિ મફતમાં ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યમાં અન્ય કોઈ શહેર કે ગામના લોકો પણ માટીના ગણપતિ માટે ફોન કરે તો તેમને માત્ર કુરિયર ચાર્જના ખર્ચે જ તેમના ઘર સુધી ગણપતિ મૂર્તિ પહોંચાડવામાં આવે છે.
દાનનો સાચો ઉપયોગ : ઘણા લોકો ગણપતિની મૂર્તિ ઘરે સ્થાપના કરે ત્યારે તે મૂર્તિ મફતમાં લેવા ઇચ્છતા હોતા નથી. તેઓ સ્વેચ્છાએ દાન આપે છે. તે દાનને એકત્રિત કરવામાં આવે છે. તે દાનનું સ્લમ વિસ્તારના બાળકોના અભ્યાસ માટે અને બાળકો સારી રીતે વાંચી શકે તે માટે લાયબ્રેરી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે ACT ફાઉન્ડેશન દ્વારા આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના કુંભારા ગામના બાળકો માટે શાળાની અંદર લાયબ્રેરી બનાવવા માટે દાનનો ઉપયોગ કરવામાં આવશે.
લાઈવ ગણપતિ પ્રોજેક્ટ : ACT ફાઉન્ડેશને ગ્રીન ગણેશ પ્રોજેક્ટ છેલ્લા 4 વર્ષથી અમલમાં મુક્યો છે. પરંતુ આ સાથે સાથે લાઈવ ગણપતિ વર્કશોપ પણ કરવામાં આવે છે. જેમાં નાના બાળકો, યુવાનો અને વૃદ્ધો પણ વર્કશોપની અંદર જોડાતા હોય છે. આ વર્કશોપ કરવાનો મુખ્ય ઉદ્દેશ લોકો વધુમાં વધુ માટીના ગણપતિનો ઉપયોગ કરે અને પોતાના ઘરે જ તે ગણપતિનું વિસર્જન કરી માટીને બાગ-બગીચામાં કે છોડની અંદર ઉપયોગ કરે તેમ છે.