અમદાવાદ: આજે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં વર્ષોથી પડતર કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતા. જેમાં 2014ના અકસ્માતનો કેસ પણ સામેલ હતો. આજની લોક અદાલતમાં ગુજરાત હાઇકોર્ટમાં લોક અદાલતના ઈતિહાસમાં સૌથી મોટું 5.40 કરોડ રૂપિયાના કેસનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતુ.
5.40 કરોડનું સેટલમેન્ટ: આ પ્રસંગે હાઇકોર્ટના ચીફ જજ સુનિતા અગ્રવાલ ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ તેઓ ઉપસ્થિત રહી શક્યા નહોતા. જોકે ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જજ એન.વી.અંજારિયા, હાઈકોર્ટ લીગલ સર્વિસીસ કમિટીના ચેરમેન જજ બીરેન વૈષ્ણવ તથા સેક્રેટરી બી.એચ. ઘાસુરાના માર્ગદર્શનમાં હાઈકોર્ટ લીગલ સર્વિસીસ કમિટીના સહકારથી પ્રથમ વખત રાષ્ટ્રીય લોક અદાલતમાં વીમા કંપની IFFCO ટોકિયોએ 5.40 કરોડનું સેટલમેન્ટ કર્યું હતું.
ક્યારે બની ઘટના: વર્ષ 2014માં ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભરૂચના પ્રકાશભાઈ વાઘેલા અમદાવાદ એરપોર્ટથી વડોદરા જતા હતા. તે સમયે નારોલ ટોલ પ્લાઝા ખાતે ટ્રક સાથે અકસ્માત થતાં તેઓનું નિધન થયું હતું. જેની સામે પરિવારજનોએ ઇન્સ્યોરન્સ કંપની સામે ભરૂચની ટ્રિબ્યુનલમાં તમામ ખર્ચ જોતા 3.94 કરોડનો દાવો દાખલ કર્યો હતો.
4 અઠવાડિયામાં જમા થશે રકમ: અકસ્માતમાં મૃતક પ્રકાશભાઈ વાઘેલા બી. ટેકની ડિગ્રી ધરાવતા હતા. જેમનું વાર્ષિક પેકેજ 31 લાખ રૂપિયા હતું. તેમના પર પત્ની, બે સગીર પુત્રો અને પરિવારના માતા - પિતાની જવાબદારી હતી. 2014માં અરજીની તારીખથી હુકમની તારીખ સુધી 9 ટકાના વ્યાજ પર 6 કરોડ 31 લાખ 35 હજારની દાવા અરજી દાખલ કરી હતી. જેની સામે વીમા કંપનીએ વાટાઘાટોના અનેક રાઉન્ડ પછી એડવોકેટ હિરેન મોદીના સહયોગથી પાંચ કરોડ ચાલીસ લાખ પિસ્તાલીસ હજાર નવસો અઠ્ઠાણુ ચૂકવવા સહમત થયા હતા. આ રકમ અરજદારના ખાતામાં 4 અઠવાડિયામાં જમાં થઈ જશે.
આ પ્રસંગે મૃતક પ્રકાશ વાઘેલાની પત્ની સ્નેહા વાઘેલાએ જણાવ્યું હતું કે લાંબા સમય બાદ પણ અમને વીમાની રકમ મળી છે, પણ અમને સંતોષ છે. અને અમે લોક અદાલતમાં ઉપસ્થિત સૌનો આભાર માનીએ છીએ.
આ અંગે હાઇકોર્ટ લીગલ સર્વિસ કમિટીના ચેરમેન જજ બીરેન વૈષ્ણવે જણાવ્યું હતું કે આજે 170 જેટલા કેસ અંગે લોક અદાલતમાં કામગીરી કરાશે. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટના ઈતિહાસમાં સૌથી મોટી રકમનું સેટલમેન્ટ છે.