અમદાવાદ : જાણીતા આર્ટિસ્ટ અને નેચરલ ડાઇ એક્સપર્ટ રૂબી જાગૃતના નવતર વિચારના પરિણામે રચાયેલ અબીરનો 7 મો વાર્ષિક આર્ટ શો અને એવોર્ડ સેરેમની યોજાઇ હતી. હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે શુક્રવારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કલા જગતમાં નવા તરંગો ઉત્પન્ન કરતું અબીર કુદરતી પ્રતિભાઓને શોધવા અને તેમને માર્ગદર્શન પૂરું પાડવા તથા વર્ચ્યુઅલ અને ભૌતિક બંને પ્રદર્શન દ્વારા તેમને યોગ્ય મંચ ઉપલબ્ધ બનાવવા માટેનું સમર્પિત પ્લેટફોર્મ છે.
અબીરનો વાર્ષિક આર્ટ શો : અબીરનું ધ્યેય આર્ટ કમ્યુનિટીને રચનાત્મક સંવાદમાં સાંકળવાની સાથે આ સર્જનાત્મક પ્રયાસમાં અભિન્ન યોગદાન તરીકે વિચારો અને સૂચનોનું મૂલ્યાંકન કરવાનું છે. અબીરના વિઝનના હાર્દમાં કળાની ઉજવણી અને કલાકારો અને આશ્રયદાતા વચ્ચે અર્થપૂર્ણ જોડાણોની સ્થાપના છે. જે સક્રિય રીતે ભારતના શહેરી અને ગ્રામીણ ખૂણામાંથી ઉભરતી પ્રતિભાને શોધી રહી છે.
ફર્સ્ટ ટેક 2023 આર્ટ શો : આ પહેલ વિશે વાત કરતાં રૂબી જાગૃતે જણાવ્યું હતું કે, અબીર એ માત્ર એક મંચ નથી પરંતુ એક સમૃદ્ધ સમુદાય છે. જે જીવનમાં પરિવર્તન લાવવાની કળા શક્તિમાં વિશ્વાસ ધરાવે છે. અમે પ્રતિભાને પોષવા, કલાની ઉજવણી કરવા અને સર્જકોને આશ્રયદાતા સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છીએ. ફર્સ્ટ ટેક 2023 આર્ટ શો અને એવોર્ડ સમારંભ આપણા દેશમાં અતુલ્ય પ્રતિભાને ઓળખવા માટેનું એક મંચ છે. આ ઇવેન્ટને મળેલો જબરદસ્ત પ્રતિસાદ કલાની દુનિયામાં અબીરના વધતા જતા પ્રભાવને પ્રતિબિંબિત કરે છે.
10 આર્ટવર્ક વિજેતા : આ વર્ષની ઇવેન્ટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. જેમાં દેશભરના 466 જેટલા જિલ્લાઓમાંથી 2,800 આર્ટવર્ક સબમિટ કરવામાં આવ્યા હતા. આમાંથી 93 અત્યંત પ્રતિભાશાળી કલાકારોને આર્ટ શો માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે 10 આર્ટવર્ક પ્રતિષ્ઠિત ફર્સ્ટ ટેક 2023 એવોર્ડના વિજેતા તરીકે ઉભરી આવ્યા હતા.
કલાકારો માટે મંચ-અબીર : પ્રારંભિક વર્ષોમાં અબીર ભારતભરના સેંકડો શહેરોમાં રહેતા હજારો કલાકારોની એન્ટ્રી આકર્ષિત કરવામાં સફળ રહ્યું છે. અનેક લોકો માટે અબીર તેમની અસાધારણ કલાત્મક સફરના માર્ગનું મહત્વનું પગથિયું બન્યું છે. આ કાર્યક્રમમાં દિલ્હીના કેતિયા ભાંડેચા, વડોદરાના સત્યનારાયણ ગવરા અને મધ્યપ્રદેશના ચંદ્રપાલ પાંજરેને વિજેતા જાહેર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આર્ટિસ્ટોનું સન્માન : પીએસપી પ્રોજેક્ટના CMD અને CEO પ્રહલાદભાઈ પટેલે અતિથિ વિશેષ તરીકે એવોર્ડ સમારંભમાં ઉપસ્થિત રહી એવોર્ડ વિજેતાઓનું સન્માન કર્યું હતું. આ વર્ષની ઇવેન્ટ માટેની પ્રતિષ્ઠિત જ્યુરી પેનલમાં કલા જગતના મહાનુભાવોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં શંપા શાહ, અખિશ વર્મા, મુરલી ચીરોથ, ડો.નુઝહત કાઝમી અને વસુધા થોઝુરનો સમાવેશ થાય છે. મહત્વાકાંક્ષી કલાકારો તેમની રચના કળા જગતના વિશાળ સમુદાય સમક્ષ પ્રદર્શિત કરવા માટે સક્ષમ બને તે માટે તેમને સશક્ત બનાવવા માટે અબીર પ્રતિબદ્ધ છે. તે ડિજિટલ પ્રદર્શન, જૂથ પ્રદર્શનો અને માર્ગદર્શન માટે તકો ઉપલબ્ધ બનાવીને આ સુવિધા પૂરી પાડે છે. આ ઉપરાંત તે પુરસ્કારો અને નાણાકીય સહાય દ્વારા ઉભરતી પ્રતિભાને ટેકો આપે છે.