અમદાવાદઃ સાણંદમાં બાળકો દ્વારા 1,00,000 સીડબોલ બનાવી જમીનમાં મૂકવાનું અભિયાન ચલાવવામાં આવ્યું છે. સંસ્કાર શાળાના બાળકોનું એક અનોખું સંસ્કરણ વન વિભાગ અને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ રક્ષણ માટે એક પહેલ કરવામાં આવી છે. જે રીતે પર્યાવરણ પર ખતરાની ઘંટડી વાગી રહી છે. તેને બચાવવા માટેનો એક આગવો અભિગમ વિદ્યાર્થીઓએ હાથ ધર્યો છે.
દેશમાં વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓથી આજનો માણસ ખૂબજ હેરાન પરેશાન અને ઘેરાઈ રહ્યો છે. તેવા સંજોગોમાં બાળકોમાં પર્યાવરણના જતનના સંસ્કાર રેડાય તેવા આગવા હેતુથી વન વિભાગ અને સાણંદ સ્થિત સ્વૈચ્છિક સંસ્થા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં સાણંદમાં આવેલા સંસ્કાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 1 લાખ જેટલા સીડબોલ બનાવી સાણંદની આસપાસ આવેલા પડતર જમીનમાં ઝાંખરામાં મૂકવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
શાળાના બાળકો દ્વારા 1 લાખ સીડ બોલ બનાવી પર્યાવરણ રક્ષક બનવાની એક પહેલ કરી છે. આજે એ જ બતાવે છે કે, આગામી પેઢી પણ પર્યાવરણ બચાવવાની ઝૂંબેશમાં સક્રિય થઈ પોતાનું યોગદાન આપવા તત્પર બનશે. આગામી સમયમાં સાણંદના અન્ય વિસ્તારમાં પણ સીડબોલનો પ્રયોગ મોટા પાયે કરવાનું વિચારાઈ રહ્યું હોવાનું ટ્રસ્ટી મનુભાઈએ જણાવ્યું છે.
સાણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા બાવળના જંગલમાં 1 લાખ સીડબોલમાં લીંબોળી, કણજી, પેલ્ટોફાર્મ, ગુલમહોર, સુબાવળ વગેરેના બીવાળા માટીના દડા નાખવાનું કાર્ય હાલ ચાલુ છે.