પરિશ્રમ અને સમર્પણની ભાવના વગર કશું પ્રાપ્ત કરવું સંભવ નથી. નિરંતર પ્રયાસ અને પરિશ્રમથી કોઈ પણ કામ કરવું શક્ય છે. ગુજરાત વિદ્યાપીઠના 66માં પદવીદાન સમારંભના મુખ્ય અતિથીપદેથી દીક્ષાંત પ્રવચન આપતા જાણીતા ઉદ્યોગપતિ અને દાનવીર અઝીમ પ્રેમજીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતાં.
વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, મારા વિચારો અને કાર્યો પર મારી માતા પછી સૌથી વધુ પ્રભાવ મહાત્મા ગાંધીજીનો રહ્યો છે. એક સમજ એ છે કે સંપત્તિની પ્રચંડ અસમાનતા સ્વીકાર્ય નથી, તેમ છતાં તે ગેરકાનુની કે દુષ્ટ પણ નથી. આ એક સકારાત્મક અભિગમ છે. ગાંધીજીનો હંમેશા પ્રયત્ન રહ્યો હતો કે સૌની વચ્ચે અનુબંધ કેળવવો, સૌને ભેગા કરવા સાથે સત્યની રાહ પર મક્કમતાપૂર્વક વળગેલા રહેવું. વિદ્યાર્થીઓને તેમણે જુદા જુદા પાંચ મુદ્દાઓમાં ગાંધી વિચારની પ્રસ્તુતતા અને અનિવાર્યતા સમજાવી હતી. જીવનમાં પ્રામાણિકતા અને સત્યશીલતા જરૂરી છે, તે સાથે તેમણે પરિશ્રમ, સમર્પણ, ન્યાયસંગતતા અને સહાનુભૂતિના ગુણો જરૂરી હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ઈલાબહેને જણાવ્યું કે, "આપ સૌ જ્ઞાન યજ્ઞની દુનિયામાંથી કર્મ યજ્ઞની દુનિયામાં પ્રવેશ કરો છો. કર્મ ભવિષ્યને ઘડે છે. આપણે જાણીએ છીએ કે દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. બદલાતી દુનિયા વિશે જાણવું અને સમજવું જરૂરી છે. આપણે નવી અર્થવ્યવસ્થા ગોઠવવી છે. રાષ્ટ્રીય આવક વધારવી જરૂરી છે. જે સૌનું પોષણ કરે અને સંપોષક હોય. જેને હું સમુલ્લાસ અર્થતંત્ર કહું છું તેવું બનાવવું છે. આપણે સમગ્ર બજારનું રૂપ બદલી નાંખીએ એ પણ શક્ય છે. ગાંધીવિચાર આજે પણ પ્રસ્તુત છે. સત્ય કદી નિષ્ફળ ન થઈ શકે. પ્રેમ અને અહિંસા કદી વાસી ન થઈ શકે.”
પદવીધારકોને અને અઝીમ પ્રેમજીને કુલનાયક અનામિક શાહે આવકાર આપ્યો હતો. ગૂજરાત વિદ્યાપીઠના વિતેલાં વર્ષનો અહેવાલ વિસ્તારથી રજૂ કર્યો હતો.
વર્ષ 2019ના મહાદેવ દેસાઈ સમાજસેવા પુરસ્કાર સારુ પુરસ્કાર પસંદગી સમિતિએ તરલાબહેન બાબુભાઈ શાહની પસંદગી કરી છે. તેઓ હાલ વેડછી પ્રદેશ સેવા સમિતિના પ્રમુખ તરીકે સેવાઓ આપી રહ્યા છે.
પદવીદાન સમારંભમાં ઔપચારિક શિક્ષણના ભાગરૂપે 27 પી.એચ.ડી, 25 એમ.ફિલ, 355 અનુસ્નાતક, 204 સ્નાતક અને 77 અનુસ્નાતક ડિપ્લોમા વિદ્યાર્થીઓને દીક્ષિત કરવામાં આવ્યાં હતાં અને 38 વિદ્યાર્થી ભાઈબહેનોને 56 પારિતોષિક આપવામાં આવ્યાં હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાર્યકારી કુલસચિવ ડૉ. ભરત જોશીએ કર્યું હતું.