અમદાવાદ: રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધા બાદ છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરની અંદર પાણીજન્ય તેમજ મચ્છરજન્ય કેસ 17 દિવસમાં જ 400થી પણ વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે બીજી બાજુ પાણીજન્ય કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે 10 દિવસમાં જ શહેરમાં કોલેરાના 6 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.
'AMC દ્વારા સફાઇ કામદારોના હેલ્થને ધ્યાનમાં રાખીને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસમાં 2600 વધુ કર્મચારીનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે. જેમાં લોહીની તપાસ, ડાયાબિટીસ સહિતની તપાસ કરવામાં આવી રહી છે. - ડૉ ભાવિન સોલંકી, HOD, આરોગ્ય વિભાગ, AMC
પાણીજન્ય કેસ 500ને પાર: અમદાવાદમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ઝાડા ઉલટીના 268, કમળાના 118 , ટાઇફોઇડના 285 કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ માસમાં 8242 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 188 જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે. આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 2009 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 36 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.
મચ્છરજન્ય કેસ આંક 400ને પાર: ચાલુ માસમાં મચ્છરજન્ય કેસ સંખ્યા 400ને પાર પહોંચ્યા હતા. જેમાં સાદા મેલેરિયાના 83, ઝેરી મેલેરિયાના 8 કેસ, ડેન્ગ્યુના 393 અને ચિકનગુનિયાના 6 કેસ નોંધાયા હતાં. જ્યારે ચાલુ માસમાં લોહીના તપાસ માટે 52083 નમૂના લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુના સીરમના 5283 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે.