અમદાવાદ: સોલા સાયન્સ સિટી રોડ પર આવેલા રઘુવીર બંગલોમાં રહેતા અશોકભાઇ ઠક્કર જે.બી.આર કોમ્પ્લેક્સમાં આર્ટ નિર્માણ લિમિટેડ નામની ઓફિસ ધરાવી કન્સ્ટ્રક્શન અને જમીન લે-વેચનો ધંધો કરે છે. 2021માં તેઓની મુલાાકાત રાકેશ શાહ સાથે બિલ્ડર હનુભાઇ સાંઘાણી થકી થઇ હતી. રાકેશ શાહે પોતે દુબઇમાં ગોલ્ડ ટ્રેડિંગનો ધંધો કરવાની સાથે બિલ્ડર તરીકે વ્યવસાય કરતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં અવારનવાર મુલાકાત દરમિયાન આરોપી રાકેશ શાહે અશોકભાઇને વેચાણ કરવાના બાકી હોય તેવા ફ્લેટો, દુકાનો, જમીનો કે ઓફિસ બતાવવા જણાવ્યું હતું. તે મિલકતો યોગ્ય લાગશે તો બલ્કમાં ખરીદી 18 માસમાં હપ્તેથી તેની રકમ ચૂકવવાની સાથે લખાણો, સિક્યોરિટી ચેક અને પ્રોમિસરી નોટ આપવાનો વાયદો કર્યો હતો.
"આ અંગે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ હાથ ધરાઈ છે"-- વી.એમ દેસાઈ (આનંદનગર પોલીસ સ્ટેશનના PI)
મિલકતોના વેચાણ: અશોકભાઇને રાકેશ શાહ પર વિશ્વાસ આવતા તેઓએ ગોતા વિષ્ણુધારા ગાર્ડન સ્કીમના 12 ફ્લેટો, વાડજના પૂનમ આર્કેડની 4 ઓફિસ બતાવતા રાકેશ શાહને તે પસંદ પડી હતી. તેથી તેનો દસ્તાવેજ કરવાની સાથે 18 માસમાં નાણાં ચૂકવવાનો વાયદો કરી 10 ટકા રકમ શરૂઆતમાં આપી દેવાની ડીલ કરવાની શરતો સાથેનો સમજૂતી કરાર કર્યો હતો. જેથી અશોકભાઇએ કુલ 11.29 કરોડની મિલકતોના વેચાણ દસ્તાવેજ રાકેશ શાહના ઓળખીતાના નામે કર્યો હતો.
જવાની ખાતરી: બાદમાં આ 11.29 કરોડમાંથી 10.16 કરોડની અશોકભાઇએ ઉઘરાણી કરતા આરોપી રાકેશ શાહે દુબઇમા તેની કંપનીના બેંક એકાઉન્ટમાં 250 કરોડ જમા ફ્રિઝ થયેલા હોવાનું જણાવી તે એકાઉન્ટ અનફ્રિઝ થયા બાદ આપવાનો વાયદો કર્યો હતો. સાથે જ રાકેશ શાહે બેંકના લેટરપેડવાળો પ્રૂફ ઓફ ફંડ્સનો લેટર બતાવી એકાઉન્ટમાં જમા પડેલા ફંડનો પુરાવો બતાવી વિશ્વાસ કેળવ્યો હતો. રાકેશ શાહે વધુ વિશ્વાસ કેળવવા માટે અશોકભાઇને દુબઇમાં કોઇ મિત્ર હોય તો તેઓને સાથે બેંકમાં લઇ જવાની ખાતરી પણ આપી હતી. તેથી અશોકભાઇએ તેમના દુબઇના મિત્ર વસંત શાહને રાકેશ શાહ સાથે મોકલ્યા હતા. ત્યારે રાકેશ શાહે એકાઉન્ટ અનફ્રિઝ કરાવવા 7 કરોડની જરૂર હોવાનું કહેતા અશોકભાઇએ તેમના 11 કરોડ કઢાવવા વસંત શાહ મારફતે 6.75 કરોડ રાકેશ શાહને ઉધાર આપ્યા હતા. જો કે આરોપી રાકેશ શાહે 11 કરોડ તો ન આપ્યા પણ વધુ સાત કરોડ મેળવી ઠગાઇ આચરી હતી.