- દાહોદ IOC ની પાઈપ લાઇનમાં ભંગાણ કરી ડીઝલની ચોરી
- 30,000 લિટર ડીઝલની કરી હતી ચોરી
- ATS એ 2 ચોરને ઝડપ્યા
અમદાવાદ: દાહોદ જિલ્લામાં IOC પાઇપ લાઇનમાં ભંગાણ કરી ડીઝલ ચોરી કરનારા લોકો પાસેથી ચોરીનું ડીઝલ ખરીદનારા 2 આરોપીઓને ગુજરાત ATS એ ઝડપી પાડયા છે. આ આરોપીઓએ 30,000 લિટર ચોરીનું ડીઝલ ખરીદ્યું હતું. કુલ 24 લાખની રકમનું ચોરીનું ડીઝલ મેળવનારા 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
દાહોદમાં નોંધાઇ હતી ફરિયાદ
દાહોદ તાલુકાના છાપરી ગામે આવેલી IOC પાઇપ લાઇનમાં પંચર કરી ડીઝલ ચોરી કર્યા બાબતની ફરિયાદ દાહોદમાં નોંધાઇ હતી. જે મામલે ATS દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી, ત્યારે ATS એ બાતમીના આધારે એસ.જી હાઇવે પરથી કિશોર અને ઇઝમામુલ નામના 2 આરોપીઓને ઝડપી પાડયા હતા. આ બંને આરોપી ડીઝલની ચોરીમાં સામેલ હતા.
24 લાખના ડીઝલની કરી હતી ચોરી
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, સુરેશ નામના આરોપી પાસેથી કિશોરે 2 ગાડી ચોરીના ડીઝલની મેળવી હતી, જેમાંથી 1 ગાડી ઇઝમામુલને પણ આપી હતી. કુલ 30,000 લિટર ડીઝલ એટલે કે 24 લાખનું ચોરીનું ડીઝલ મેળવ્યું હતું. ATS એ બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.