- 22થી 26 ફેબ્રુઆરી સુધી ગોંડવાણા કપ ઓલ ઇન્ડિયા ટેનિસ સ્પર્ધા યોજાઈ
- આ ટેનિસ સ્પર્ધામાં પરીક્ષિત અને પારસે ડબલ્સનો ખિતાબ મેળવ્યો હતો
- શુક્રવારે માધવિન કામથ અને લોહિત આકાશ બદ્રીનાથ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ
રાયપુરઃ ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ છત્તીસગઢ પ્રદેશ ટેનિસ એસોસિએશને 22થી 26 ફેબ્રુઆરી સુધી ગોંડવાણા કપ ઓલ ઇન્ડિયા ટેનિસ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. રાયપુરના યુનિયન ક્લબ અને છત્તીસગઢ ક્લબમાં આયોજિત આ કાર્યક્રમનું શુક્રવારે સમાપન થયું હતું. ટેનિસ સ્પર્ધામાં ગુજરાતના માધવિન કામથે બાજી મારી છે. એટલે કે માધવિન કામથે આ કપમાં જીત મેળવી હતી. જ્યારે પરીક્ષિત અને પારસે ડબલ્સનો ખિતાબ મેળવ્યો હતો.
ગુજરાતે બાજી મારી
આ ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી આવેલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. શુક્રવારે માધવિન કામથ અને લોહિત આકાશ બદ્રીનાથ વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ દોઢ કલાક સુધી ચાલી હતી, જેમાં 6-2, 7-6થી માધવિને લોહિતને પછાડીને ગોંડવાણા કપ પોતાના નામે કરી લીધો હતો. ડબલ્સમાં આસામના પરીક્ષિત સોમાની અને પારસ દહિયાનો મુકાબલો લક્ષિત અને ચંદ્રિલ સુદ સાથે થયો હતો, જેમાં આસામના પરીક્ષિત અને પારસે 7-6, 6-4થી લક્ષિત અને ચંદ્રિલને હરાવીને ડબલ્સનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
વર્ષ 1937થી ગોંડવાણા કપનું આયોજન થાય છે
છત્તીસગઢ ટેનિસ એસોસિએશનના મહાસચિવ ગુરુચરણ સિંહ હોરાએ જણાવ્યું કે, મુખ્યપ્રધાનના નેજા હેઠળ રાયપુરમાં ગોંડવાણા કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગોંડવાણા કપ 1937થી રમવામાં આવી રહ્યો છે. આ વખતે પણ આનું આયોજન રાયપુરમાં થયું હતું, જેમાં રમવા માટે દેશભરમાંથી ખેલાડીઓ આવ્યા હતા. આ કપથી ખેલાડીઓને પણ ઘણું શિખવા મળ્યું છે.