હૈદરાબાદઃ ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે, સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હોકીના દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મજયંતિ પર રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ધ્યાનચંદે 1928, 1932 અને 1936માં ઓલિમ્પિક રમતોમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય હોકીની ઓળખ આપી હતી. દર વર્ષે તેમના જન્મદિવસ પર તેમને માન આપવા માટે રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસે રમતમાં ખાસ યોગદાન આપનાર ખેલૈયાઓને રાષ્ટ્રીય રમતગમત એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ એવોર્ડમાં રાજીવ ગાંધી ખેલ રત્ન, ધ્યાનચંદ એવોર્ડ, અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ સામેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલાડીઓનું આ એવોર્ડથી સન્માન કરવામાં આવશે. આ એવોર્ડ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ચાલો જાણીએ આ વર્ષે તેમના પ્રદર્શનના આધારે કયા ખેલાડીઓએ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
1. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ
આ એવોર્ડ દેશનો સર્વોચ્ચ રમતગમત સન્માન છે. એવોર્ડનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામ પરથી આપવામાં આવ્યું છે. આ એવોર્ડ 1991-92માં સ્થાપવામાં આવ્યો હતો અને પ્રથમ ખેલ રત્ન શાંતરાંજ ખેલાડી વિશ્વનાથન આનંદને એનાયત કરાયો હતો. આ વર્ષે આ એવોર્ડ માટે પાંચ ખેલાડીઓનું નામ લેવામાં આવ્યું છે.
2. અર્જુન એવોર્ડ
રમતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ખેલાડીઓને આ એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 1961માં થઈ. આ વર્ષે આ એવોર્ડ માટે 27 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.
3. ધ્યાનચંદ એવોર્ડ:
કોઈ ખેલાડીને તેની આજીવન સિદ્ધિ માટે આપવામાં આવેલું આ સર્વોચ્ચ એવોર્ડ છે. આ એવોર્ડ ભારતના દિગ્ગજ હોકી ખેલાડી ધ્યાનચંદના નામ પર રાખવામાં આવ્યો છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 2002માં થઈ હતી અને પહેલો એવોર્ડ શાહુરાજ બિરાજદાર (બોક્સિંગ)ને આપ્યો હતો. આ વર્ષે 15 દિગ્ગજોના નામની પસંદગી કરવામાં આવી છે.
4. દ્રોણાચાર્ય એવોર્ડ:
આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોમાં ચંદ્રક વિજેતા બનાવવા અને રમતગમતના વિકાસના ક્ષેત્રમાં તેમના આજીવન યોગદાન માટેના કોચને આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 1985માં થઈ હતી અને પહેલો એવોર્ડ ભાલાચંદ્ર ભાસ્કર ભાગવત (કુસ્તી)ને આપવામાં આવ્યો હતો. આ સન્માન માટે આ વર્ષે 14 કોચની પસંદગી કરવામાં આવી છે.