ટોક્યો: દુનિયામાં કોરોના વાઈરસનો કહેર યથાવત છે, ત્યારે ટોક્યો ઓલિમ્પિક સ્થગિત કરી દેવાઈ છે. આ અંગે ટોક્યો ઓલિમ્પિકના સમિતિના પ્રમુખ યોશિરો મોરી બાદ જાપાનના PM શિન્જો આબેએ પણ કહ્યું કે, "કોરોના વાઇરસ પર કાબૂ મેળવ્યા વિના 2021માં પણ ઓલિમ્પિક સંભવ નથી.
આબેએ કહ્યું કે, અમે સતત કહી રહ્યાં છીએ કે, ઓલિમ્પિક અને પેરા-ઓલિમ્પિક કોઈપણ ફેરફાર વગર રમાવી જોઈએ, પરંતુ હાલ પરિસ્થિતિ એવી નથી કે, બધા જ ખેલાડીઓની સાથે દર્શકો પણ સુરક્ષિત રહી શકે. આપણે જે વસ્તુઓનો સામનો કરી રહ્યાં છીએ એ લાંબો સમય ચાલશે. જેથી અમે ઓલિમ્પિક એસોસિયેશન અને ટોક્યો 2020ની આયોજન સમિતિના સતત સંપર્કમાં છીએ. આ ગેમ્સ એ રીતે થવી જોઈએ કે આખી દુનિયાને ખબર પડે કે આપણે વાઈરસ સામે જંગ જીતી લીધી છે.
આ ઉપરાંત એક દિવસ પહેલા જ ટોક્યો 2020 ઓર્ગેનાઇઝેશન કમિટીએ કહ્યું હતું કે, "આવતા વર્ષ સુધી પર પણ કોરોના પર કાબૂ ન મેળવ્યો તો ગેમ્સ રદ્દ કરી દેવામાં આવશે. આ એવી જંગ છે, જેમાં દુશ્મન દેખાતો નથી." આ પહેલા જાપાન મેડિકલ એઓસિયેશનના પ્રમુખ યોશિટેકે યોકોકુરાએ ચેતવણી આપી હતી કે, જો કોરોના વાઈરસની વેક્સીન ન આવે તો આવતા વર્ષે રમતનું આયોજન કરવું બહુ અઘરું રહેશે.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિયેશન અને જાપાન સરકારે ગત મહિને ઓલિમ્પિકને જુલાઈ-2021 સુધી સ્થગિત કરી હતી. હવે 23 જુલાઈ 2021થી શરૂ થશે.