ભારતના 28 મેડલમાં 13 ગોલ્ડ મેડલ, 14 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ સામેલ છે. કેડેટ વર્લ્ડ ચેમ્પિયનશીપના બ્રોન્ઝ મેડલ વિજેતા દિપક ચહલની આગેવાની હેઠળ, ભારતે સ્પર્ધાના અંતિમ દિવસે ફ્રી સ્ટાઇલમાં વધુ ચાર ગોલ્ડ જીત્યા હતાં. તેમાંથી દીપકે 75 કિલોમાં ગોલ્ડ, વિશાલે 62, સાગર જગલાને 68 અને જતીને 85 કિલોમાં ગોલ્ડ જીત્યો હતો.
68 કિલોગ્રામમાં સાગર જાગલાન કઝાકિસ્તાનના બુક્સુલતાનોવ સામે 1-6થી પાછળ રહ્યો હતો. પરંતુ, તે પછી તેણે અંતિમ 20 સેકન્ડમાં ફરી પરત ફરીને 7-6થી જીતીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
આ પ્રદર્શનને કારણે ભારત ટીમની રેન્કિંગમાં 225 પોઇન્ટ સાથે ટોચ પર છે. કઝાકિસ્તાન બીજા અને જાપાન ત્રીજા ક્રમે રહ્યું.
ગ્રીકો-રોમન કેટેગરીમાં ભારતે અંતિમ દિવસે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા હતાં. હર્ષે 44 કિલોમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટીમ રેન્કિંગમાં ભારતને કઝાકિસ્તાન પછી 230 પોઇન્ટ સાથે બીજુ સ્થાન પ્રાપ્ત થયું છે.
મહિલા વર્ગમાં કોમલે 42 કિલોગ્રામમાં, શીતલે 46 કિલોગ્રામમાં અને ધનશ્રીએ 52 કિલોગ્રામમા સિલ્વર મેડલ જીત્યા હતાં. મહિલા વર્ગમાં ભારતે 212 પોઇન્ટ સાથે બીજા સ્થાન પરથી સંતોષ માનવો પડ્યો છે.