કુઆલાલંપુરઃ ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી એશિયાઇ ફુટબોલ ફેડરેશનની કોવિડ-19 મહામારી સામેની લડાઇ અભિયાનનો ભાગ બની ગયા છે. તેમણે લોકોને આ પડકારજનક સમયનો સામનો કરવા માટે તે બધુ કરવા અનુરોઘ કર્યો છે જે લોકો કરી શકે છે.
બ્રેક ધ ચેઇન નામના આ અભિયાનની શરૂઆત કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે આ અઠવાડિયે કરવામાં આવી હતી. જેમાં ભારતીય ભૂતપૂર્વ કેપ્ટન બાયચુંગ ભૂટિયા પણ સામેલ છે. તેમના સિવાય ચાઇના ફુટબોલ એસોસિએશનના વાઇસ ચેરમેન સુન વેન અને મ્યાનમારના કેપ્ટન ક્રાય જિન થેટ પણ આ અભિયાનમાં હતા.
આ તકે સુનીલ છેત્રીએ કહ્યું કે દરેક લોકો આ પડકારજનક સમયમાંથી પસાર થઇ રહ્યાં છે, ત્યારે હું તમને વિનંતી કરું છું કે તમે બધા વિશ્વ આરોગ્ય સંગઠન અને તમારી સ્થાનિક સરકાર દ્વારા આપવામાં આવેલ સલાહનું પાલન કરો, સ્વચ્છતા જાળવવી એ આપણી જવાબદારી છે તેમજ બધા ઘરો જ રહેજો.
તેમજ તેમણે વધુમાં કહ્યું કે ચાલો આ વાઇરસને રોકવા માટે એક ટીમની જેમ બધા સાથે મળીને કામ કરીએ. હું આ પડકારજનક સમયમાં ભારત અને વિશ્વના લોકોની સાથે છું. હુ આશા રાખુ છુ કે ટૂંક સમયમાં બધુ સામાન્ય થઇ જશે.