બર્લીન: જર્મન ક્લબ બાયર્ન મ્યૂનિખે એક ગોલથી પાછળ રહેવા છતા શાનદાર વાપસી કરી અને બુન્ડેસ્લિગા લીગ મેચમાં લેવરકુસેનને 4-2થી હરાવ્યું હતું. આ જીત સાથે જ બાયર્નની ટીમ સતત આઠમા ટાઇટલ તરફ આગળ વધી રહી છે.
શનિવારે રમાયેલી આ મેચમાં, યજમાન લેવરકુસેને નવમી મિનિટમાં લુકાસ એલેરિઓના ગોલની મદદથી પોતાનું ખાતું ખોલ્યું હતું. જો કે આ પછી બાયર્ન મ્યૂનિખની ટીમે શાનદાર વાપસી કરી અને લેવરકુસેનને વાપસી કરવાની કોઈ તક આપી ન હતી.
લીગમાં સૌથી વધુ વખત ખિતાબ જીતનાર બાયર્ને 27 મી મિનિટમાં કિંગ્સલી કોમનનો ગોલ તેમજ લિયોન ગોરેત્ઝકાના 42મી મિનિટમાં અને સર્જ ગનાબારીની ઇજાના સમયમાં કરેલા ગોલની મદદથી પ્રથમ હાફમાં 3-1ની લીડ મેળવી લીધી હતી.
હાફ ટાઇમ પછી, લેવકુસેનના કોચ પીટર બોઝે તેના ત્રણેય સબસ્ટીટ્યુટ્સને મેદાનમાં ઉતાર્યા, પરંતુ બાયર્નની ટીમે 66મી મિનિટમાં રોબર્ટ લેવાન્ડોવસ્કીના ગોલને કારણે સ્કોર 4-1 પર લઈ જવામાં સફળ રહી હતી. ત્યારબાદ લેવરકુસલના ફ્લોરીયન રીટ્ઝે 89મી મિનિટમાં ગોલ કરીને ટીમની હારનું થોડુ અંતર ઓછુ કર્યુ હતું. 17 વર્ષીય રિટ્ઝ બુન્ડેસ્લિગામાં સૌથી યુવા વયે ગોલ કરનાર બન્યો.
આ જીતની સાથે જ બાયર્નની ટીમના 30 મેચોમાં 70 પોઇન્ટ થયા છે અને બીજા ક્રમે આવેલા બોરૂશિયા ડોર્ટમંડ (63)ની સાત પોઇન્ટથી આગળ થઈ ગઈ છે.