ગુયાનાઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 મેચોની T20 શ્રેણીની ત્રીજી T20 મેચ પ્રોવિડન્સ સ્ટેડિયમ ગયાના ખાતે રમાઈ રહી હતી. પ્રથમ બે મેચમાં હારી ચૂકેલી ટીમ ઈન્ડિયા માટે આ મેચ કરો યા મરો જેવી હતી. વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન રોવમેન પોવેલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં ભારતે તેના પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા હતા. ઇશાન કિશનની જગ્યાએ યશસ્વી જયસ્વાલ રમી રહ્યો હતો. આ સાથે જ રવિ બિશ્નોઈની જગ્યાએ કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ દાવઃ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 4 વિકેટના નુકસાન પર 159 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ માટે ઓપનર બ્રેન્ડન કિંગે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તે જ સમયે, કેપ્ટન રોવમેન પોવેલ પણ 40 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી ચાઈનામેન બોલર કુલદીપ યાદવે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ભારતને ત્રીજી T20 મેચ જીતવા માટે 160 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત થયો હતો.
સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માની યાદગાર પારીઃ વેસ્ટ ઈન્ડિઝે આપેલા 160 રનના લક્ષ્યાંક સામે ટીમ ઈન્ડિયાની શરુઆત નબળી રહી હતી.શુબમન ગીલ અને ડાબોડી યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટી20 ઈન્ટરનેશનલમાં પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યો હતો, તે માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ ભારતના ધાકડ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા સાથે ત્રીજી વિકેટ માટે 51 બોલમાં 87 રનની આક્રમક ભાગીદારી કરી અને ટીમને મેચમાં વાપસી કરાવી હતી.
ટીમ ઈન્ડિયા હજુ 2-1થી સિરીઝમાં પાછળઃ સૂર્યકુમારે 44 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 83 રનની શાનદાર પારી રમી હતી. તિલક વર્માએ 37 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 49 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. તિલક અને પંડ્યાએ ચોથી વિકેટ માટે 31 બોલમાં 43 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતે 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા હજુ 2-1થી સિરીઝમાં પાછળ છે.
આ પણ વાંચોઃ