ચેન્નઈ : ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન શુક્રવારે બાંગ્લાદેશ સામે રમાનારી મેચમાં સામેલ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, કેન વિલિયમસન ઇજાગ્રસ્ત હોવાથી અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને હૈદરાબાદમાં નેધરલેન્ડ સામે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી રમી શક્યા નહોતા. ત્યારે તેઓની જગ્યાએ ન્યુઝીલેન્ડના કેપ્ટન તરીકે ટોમ લોથમને જવાબદારી સોંપવામાં આવી હતી.
ન્યૂઝીલેન્ડ માટે સારા સમાચાર : અત્યાર સુધી વર્લ્ડ કપમાં અજેય રહેલા ન્યૂઝીલેન્ડ ટીમ માટે વધુ એક સારા સમાચાર છેે. તેમનો વરિષ્ઠ ઝડપી બોલર ટિમ સાઉથી પણ હવે બાંગ્લાદેશ સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ છે. કેન વિલિયમસનની જેમ ટિમ સાઉથી પણ ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ સામેની મેચમાં રમવાનું ચૂકી ગયો હતો. ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટીડે જાહેર કર્યું હતું કે, કેન વિલિયમસન ACL ફાટી ગયા પછી સર્જરીમાંથી સ્વસ્થ થઈ ગયો છે. ઉપરાંત સાઉથી પણ તેના અંગૂઠાની સર્જરી બાદ સ્વસ્થ થયો હતો.
બાંગ્લાદેશ-ન્યૂઝીલેન્ડ મેચ : ચેપૌક તરીકે પ્રખ્યાત MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ તેમની જીતનો સિલસિલો જાળવી રાખવા ઉત્સુક હશે. કેપ્ટન શાકિબ અલ હસનની આગેવાની બાંગ્લાદેશ ટીમના સ્પિનરોના પડકારનો સામનો કરશે. બીજી તરફ બાંગ્લાદેશ ધર્મશાલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ સામેની હારને ભૂલીને જીતના માર્ગે પાછા ફરવા આતુર હશે. પરંતુ તેમના માટે ફરી ફોર્મમાં આવવું સરળ રહેશે નહીં.
કેપ્ટન કેન વિલિયમસન : કેન વિલિયમસન એક અનુભવી કેપ્ટન છે, તેણે 2019 ના વર્લ્ડ કપમાં પણ ન્યુઝીલેન્ડ ટીમનું નેતૃત્વ કર્યું હતું. રનર્સ-અપ રહેલી ન્યુઝીલેન્ડની ટીમે સારી બાઉન્ડ્રીની ગણતરી સાથે ઇંગ્લેન્ડ સામે નજીવા અંતરે હારી ગઈ હતી. કેન વિલિયમસને 161 વનડેમાં 13 સદી અને 42 અડધી સદી સાથે 148ના સર્વોચ્ચ સ્કોર સાથે 6,554 રન બનાવ્યા છે. તેણે 2010માં દામ્બુલા ખાતે ભારત વિરુદ્ધ વન-ડે મેચથી ડેબ્યૂ કર્યું હતું.