આગામી દિવસોમાં વન-ડે વિશ્વ કપ શરૂ થનારો છે. આ માટે ભારત તરફથી વિશ્વકપમાં રમનારા તમામ ક્રિકેટરોના નામની જાહેરાત કરી દેવાઈ છે. આ વચ્ચે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરભ ગાંગુલીએ ઋષભ પંત માટે નિવેદન આપ્યું છે. ઋષભ પંતની આગામી વિશ્વકપની રમતમાં ભારતીય ટીમને ખોટ વર્તાશે તેમ જણાવ્યું છે.
નોંધપાત્ર છે કે, પંસદગીકારોએ પંતનો વિશ્વકપની ટીમમાં સમાવેશ કર્યો નથી, પરંતુ પંતે ઈન્ડિયન પ્રિમીયર લીગ(આઈ.પી.એલ.)માં દિલ્હી કેપીટલ્સની ટીમમાંથી જોરદાર પ્રદર્શન કર્યું અને ટીમને છઠ્ઠી સિઝન પછી પ્લે ઓફમાં સ્થાન નિશ્ચિત કરવામાં મદદ કરી.
આપને જણાવી દઈએ કે ગાંગુલી આ સિઝન દરમ્યાન દિલ્હીની ટીમમાં સલાહકાર હતા. ગાંગુલીએ કહ્યું, 'ભારતને વિશ્વકપમાં પંતની ખોટ વર્તાશે' ગાંગુલીને જ્યારે પૂછવામાં આવ્યું કે શું પંતનો ઈજાગ્રસ્ત કેદાર જાધવના સ્થાને ટીમમાં સમાવેશ કરવો જોઈએ? તેની ઉપર ગાંગુલીએ કહ્યું કે, 'તમે આ રીતે ન કહી શકો. મને વિશ્વાસ છે કે કેદાર જલ્દી સ્વસ્થ થઈ જશે. છતાંયે પંતની ખોટ વર્તાશે'
રોહિત શર્માએ રવિવારે મુંબઈ ઈન્ડિયન્સને ચોથી વખત આઈ.પી.એલ.માં જીત અપાવી. રોહિતની કેપ્ટન્સીપ પર ગાંગુલીએ કહ્યું કે, “તે સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક છે, મુંબઈ અને ચૈન્નઈ બંને સારી ટીમો છે.” દિલ્હીની આ સફળ સિઝન પર ગાંગુલીએ કહ્યું કે, “અમે તો સર્વશ્રેષ્ઠ કર્યું, પરંતુ ફાઈનલમાં ન પહોંચી શક્યા.”