ક્રાઈસ્ટચર્ચ: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં વ્હાઈટ વોશ બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં પત્રકાર સામે આક્રમક જોવા મળ્યો હતો. પત્રકારે કોહલીને કેન વિલિયમસનને આઉટ કર્યા બાદ તેના વ્યવહાર વિશે સવાલ પુછ્યો હતો જે બાદ કોહલીને ગુસ્સો આવ્યો અને તે જવાબ આપવાના બદલે પત્રકારને જ સવાલ પૂછવા લાગ્યો હતો.
કેન વિલિયમસન આઉટ થયા બાદ કોહલીએ આક્રમક જશ્ન મનાવ્યું હતું અને જશ્ન મનાવ્યા બાદ ન્યૂઝીલેન્ડના દર્શકો તરફ જોઈ તેમને ચુપ રહેવાનો ઈશારો પણ કર્યો હતો.
કોહલીને જ્યારે આ બન્ને મુદ્દા પર પત્રકારે સવાલ કર્યો ત્યારે કોહલી તેનો જવાબ આપવાને બદલે પ્રત્રકારને જ સવાલ કરવા લાગ્યો અને કહ્યું કે આખી વાત જાણ્યા બાદ સવાલ કરો, કોઈ વિવાદ ઉભો કરવા માટે આ યોગ્ય જગ્યા નથી.
આ પહેલો એવો બનાવ નથી કે જ્યારે કોહલી પત્રકાર પરિષદમાં ગુસ્સે થયો હોય. આ પહેલા પણ કોહલીએ વર્ષ 2018માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ હાર્યા બાદ પત્રકાર સામે આક્રમક વલણ અપનાવ્યું હતું.