કેનબેરાઃ યહાંના માનુકા ઓવલ મેદાનમાં રમાયેલી ટી-20 ટ્રાઈ સિરિઝની પહેલી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમને ઈગ્લેન્ડને 5 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેંટિગ કરવા ઉતરેલી ઈગ્લેન્ડે નિર્ધારીત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમે 5 વિકેટ મેચ જીતી લીધો હતો.
ઈગ્લેન્ડની ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી. માત્ર 4 રને ઈગ્લેન્ડે પોતાની પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ઈગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન કેપ્ટન હિથર નાઈટે બનાવ્યા હતા. તેણે 44 બોલમાં 8 ચોગ્ગા અને 2 છક્કાની મદદથી 67 રન બનાવ્યા હતા. ટૈમી બ્યુમોંટે પણ સારૂ પ્રદર્શન કરી 37 બનાવી ટીમને મોટો સ્કોર બનાવવામાં મદદ કરી હતી. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, દિપ્તિ શર્માએ બે-બે વિકેટ તેમજ રાધા યાદવે 1 વિકેટ ખેરવી હતી.
ઈગ્લેન્ડે આપેલા 148 રનનાં લક્ષ્યાંકને પાર પાડવા ઉતરેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સારી શરૂઆત કરી હતી. શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ 27 રનની ભાગીદારી કરી હતી. જે બાદ સ્મૃતિ મંધાના આઉટ થઈ હતી. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રિત કૌરે સૌથી વધુ 42 રન કરી ટીમને વિજય અપાવ્યો હતો. કૈથરીન બ્રંટને બે વિકેટ મળી હતી. જ્યારે સોફી એક્લસ્ટોન, નતાલી સ્કાઈવર, અને હિથર નાઈટને 1-1 વિકેટ મળી હતી.
ઉલ્લેખનીય છે કે, આ ટી-20 ટ્રાઈ સિરિઝમાં ભારતની આગામી મેચ 2 ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા સાથે છે.