હૈદરાબાદ: પૂર્વ ક્રિકેટ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું છે કે, જો મને ભવિષ્યમાં તક મળે તો હું ભારતીય ક્રિકેટ ટીમનો કોચ બનવા માટે તૈયાર છું. અઝહરુદ્દીને એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, "હા, હું સેવા કરવા તૈયાર છું. જો મને ભારતીય ક્રિકેટ ટીમ સાથે કામ કરવાની તક મળે તો હું બધુ છોડી કામ કરવા તૈયાર છું."
મહત્વનું છે કે, હાલમાં રવિ શાસ્ત્રી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ છે અને તેમનો કાર્યકાળ 2021માં યોજાનારા ટી-20 વર્લ્ડ કપ સુધીનો જ છે. અઝહરુદ્દીને આશ્ચર્ય સાથે વ્યક્ત કર્યું કે, આજના સમયમાં ઘણો 'સપોર્ટ સ્ટાફ' ટીમ સાથે મુસાફરી કરી રહ્યો છે.
હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (એચસીએ)ના અધ્યક્ષ અઝહરુદ્દીને કહ્યું કે, "મને એ જોઈને આશ્ચર્ય થાય છે કે, હાલના દિવસોમાં ઘણા લોકો ક્રિકેટ ટીમ સાથે મુસાફરી કરી રહ્યાં છે. ઉદાહરણ તરીકે મારી કુશળતા બેટિંગ અને ફિલ્ડિંગમાં છે અને જો હું કોઈ એક ટીમનો કોચ હોઉં, તો મારે બેટિંગ કોચની શી જરૂર?"
અઝહરુદ્દીને એમ પણ કહ્યું કે, મને આશા છે કે કોરોનાને કારણે મોકૂફ રાખવામાં આવેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) વર્ષના અંતમાં ચાલુ થશે. જો ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ એના સમયપત્રક મુજબ કરવામાં નહીં આવે તો બીસીસીઆઈ IPLને ઓક્ટોબરમાં શરૂ કરી શકે છે.
પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને કહ્યું કે, "હું આશા રાખું છું કે આ લીગને વર્ષના અંત સુધીમાં વિંડો મળી જશે, જ્યાં આપણે ઓછામાં ઓછી સાત મેચનું આયોજન કરી શકીએ. IPLએ છેલ્લા 10-12 વર્ષમાં ક્રિકેટને ઘણું બધુ આપ્યું છે. હાલનો સમય ક્રિકેટરો માટે વધુ ઝડપી પ્રદર્શન કરવાનો છે. જો આઇપીએલ ન હોય તો હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ હજી પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટે સંઘર્ષ કરતા હોત.
મહત્વનું છે કે, પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીને ભારત માટે 99 ટેસ્ટમાં 6215 રન અને 334 વનડેમાં 9378 રન બનાવ્યાં હતાં.