નવી દિલ્હીઃ એશિયાઇ ક્રિકેટ કાઉન્સીલ (ACC)એ આ વર્ષે યોજાનારા એશિયા કપ ટી-20 ટૂર્નામેન્ટના ભવિષ્યને લઇ નિર્ણયને અત્યારે મુલતવી રાખ્યો છે. જો કે શ્રીલંકાએ આ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની ઓફર કરી હતી અને સાથે જ એવો દાવો કર્યો કે યજમાન પાકિસ્તાન તેની આ ઓફર માટે રાજી પણ થઇ ગયા છે.
શ્રીલંકા ક્રિકેટ(SLC)ના પ્રમુખ શમી સિલ્વાએ દાવો કર્યો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ACC સંમત થયા છે કે શ્રીલંકા આ વર્ષે ટૂર્નામેન્ટની યજમાની કરી શકે છે. એશિયા કપનું આયોજન આ વર્ષે સપ્તેમ્બર મહિનામાં થવાનું છે. આ વર્ષે યજમાનીનો વારો PCBનો છે પરંતુ તેનું આયોજન અન્ય દેશમાં થવાનું નક્કી છે. કારણ કે ભારતીય ટીમની પાકિસ્તાન જવાની સંભાવના ઓછી છે.
શ્રીલંકા ક્રિકેટના પ્રમુખ શમી સિલ્વાએ કહ્યું કે, અમે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ચર્ચા કરી અને દુનિયાભરમાં વર્તમાન પરિસ્થિતિના કારણે તેઓ અમને આ ટૂર્નામેન્ટની યજમાની આપવા માટે સંમત થયા છે. તેમણે વધુમાં કહ્યું કે, ACCની ઓનલાઇન બેઠકમાં તેમણે અમને ટૂર્નામેન્ટની યજમાની માટે મંજૂરી આપી છે.
ACC ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વ કપ પર ICCના નિર્ણય બાદ એશિયા કપ પર નિર્ણય કરશે.
સોમવારે બેઠક બાદ ACCએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, બોર્ડે એશિયા કપ 2020ના આયોજનના મહત્વ પર ભાર આપ્યો છે. કોવિડ-19 મહામારીને જોતા એશિયા કપ 2020ના આયોજન અંગે સ્થળના વિકલ્પો પર ચર્ચા કરવામાં હતી અને આવનારા સમયમાં આ અંગે અમે અંતિમ નિર્ણય કરીશું.
ACC બોર્ડની આ બેઠકની અધ્યક્ષતા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB)ના અધ્યક્ષ નજમુલ હસન પેપોને કરી હતી અને આ બેઠકમાં ભારતીય ક્રેકેટ બોર્ડનાં(BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહે ભાગ લીધો હતો.
ACCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ટૂર્નામેન્ટને સ્થગિત કરવાને લઇ ચર્ચા થઇ હતી પરંતુ તેના પર કોઇ સહમતિ થઇ ન હતી, આ ઉપરાંત ચીનમાં 2022માં યોજાનારા એશિયાઇ ખેલોમાં ACCનો સમાવેશ કરવા અંગે પર ચર્ચા થઇ હતી.