મેલ્બોર્ન :- 2007-08માં યોજાયેલી બોર્ડર-ગવાસ્કર ટ્રોફી અંતર્ગત રમાયેલી સિડની ટેસ્ટ મેચ દરમિયાન એન્ડ્રુ સાયમન્ડે હરભજનસિંઘ ઉપર આક્ષેપ મૂક્યો હતો કે તેણે તેને મન્કી કહ્યો હતો. જો કે ભારતીય ઓફ સિપનર હરભજને તે આક્ષેપને સ્પષ્ટ શબ્દોમાં નકારી કાઢ્યો હતો. રિકી પોન્ટિંગે છેલ્લે એમ કહીને તે પ્રકરણને ફરીથી ખોલ્યું હતું કે આ પ્રકરણ તેની કેપ્ટનશીપના સમગ્ર કાર્યકાળ દરમિયાન સૌથી ખરાબ પ્રકરણ રહ્યું હતું.
2005ની એશીઝ સીરીજ હારી જવી તે અમારા માટે ઘણું દુઃખદ હતું. તેમ છતાં તે સમગ્ર સીરીઝ મારા અંકુશ હેઠળ હતી, પરંતુ મન્કીગેટ પ્રકરણમાં શું બન્યુ તે બાબત મારા સહેજપણ અંકુશમાં નહોતી તેવુ પોન્ટિંગે કહ્યું હતું અને વધુમાં કહ્યું હતુ કે તે પ્રકરણ ખરાબ તો હતું જ એટલું જ નહીં, પરંતુ તે ઘણા લાંબા સમય સુધી ખેંચાયું પણ હતું. મને યાદ છે કે તે દિવસે હું એડિલેડ ટેસ્ટ મેચના દિવસે મેદાનમાંથી આવ્યો હતો અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સાથે વાત કરી હતી કેમ કે આ કેસની સુનાવણી એડિઇડ ટેસ્ટમેચ પૂરી થયા બાદ રખાઇ હતી. આ સમગ્ર પ્રકરણ બાદ યોજાયેલી સુનાવણી બાદ અને આ ઘટનાના પગલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ હરભજન ઉપર ત્રણ મેચ રમવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુનાવણીમાં રિકી પોન્ટિંગ, મેથ્યુ હેઇડન અને માઇકલ ક્લાર્કની જુબાની લેવામાં આવી હતી અને આ તમામ ખેલાડીઓએ સાયમન્ડની તરફેણમાં જુબાની આપી હતી. સચીન તેંડુલકર એકમાત્ર સાક્ષી હતો જેણે હરભજનની તરફેણમાં જુબાની આપી હતી કેમ કે પીચના બીજા છેડે તેની ટીમના ખેલાડીઓ અને વારંવાર રંગ બદલતા ઓસિઝના ખેલાડીઓ વચ્ચે શું ચણભણ થઇ હતી તેને સૌથી નજીકથી સાંભળનાર તે એકમાત્ર ખેલાડી હતો.
પરિણામે (મન્કીગેટ વિવાદનું)ના અંતે અમે સૌથી વધુ નિરાશ અને દુખી હતા કેમ કે આ ઘટના એવા સમયે બની હતી જ્યારે અમે આગામી ટેસ્ટમેચ રમવા જઇ રહ્યા હતા. જે કદાચ અમારા માટે સૌથી નિરાશાજનક મેચ હશે તેવુ પોન્ટિંગે કહ્યું હતું. તેથી અમે પર્થ ગયા અને ભારત સામેની ટેસ્ટ મેચ અમે જીતી જઇશું તેવી આશા હતી, પરંતુ ત્યારબાદ અમે મેચ હારી ગયા અને ત્યારબાદ તમામ ખરાબ જ થતું રહ્યું તેવુ તેણે ઉમેર્યું હતું.
ઓસ્ટ્રેલિયા 122 રનથી સિડની ટેસ્ટ મેચ જીતી ગયું હતું. જો કે ત્યારબાદ વાકા (WACA) ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં તેઓને 72 રનથી પરાજય થયાનો સ્વાદ ચાખવો પડ્યો હતો. છેલ્લી ટેસ્ટ મેચ ડ્રો માં પરિણમી હતી. આમ, ઓસ્ટ્રેલિયા 4 ટેસ્ટમેચની સિરીઝ 2-1થી જીતી ગઇ હતી.