નવી દિલ્હી: ભારત ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)માં વરિષ્ઠ ભારતના દિગ્ગજ ક્રિકેટર મદનલાલ અને સુલક્ષણ મધુકર નાઈકની વરણી કરવામાં આવી છે. સમિતિ રાષ્ટ્રીય પસંદગી પેનલ માટેના ઉમેદવારોની મુલાકાત લેશે.
મંગળવારના રોજ હોદ્દેદારોની બેઠક મળી હતી, જેને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે બોલાવી હતી. આ બેઠક પછી બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ પુષ્ટિ આપી કે લાલ અને નાઈક સીએસીમાં હાજર રહેશે. જોકે, ગાંગુલીએ સીએસીના ત્રીજા સભ્યનું નામ જાહેર કર્યું નથી. ગાંગુલીએ ઉમેર્યું હતું કે, સીએસી આગામી સાઉથ આફ્રિકા સીરીઝ માટે ટીમની પસંદગી કરશે.
દક્ષિણ આફ્રિકાની ત્રણ મેચની વનડે સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરશે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાળામાં 12 માર્ચે બંને ટીમો પ્રથમ વનડેમાં ટકરાશે.
અગાઉ નયન મુંગિયા, અજિત અગરકર અને વેંકટેશ પ્રસાદે રાષ્ટ્રીય પસંદગીકાર પદ માટે અરજી કરી હતી.
બીસીસીઆઈએ 18 જાન્યુઆરીએ ખુલાસો કર્યો હતો કે, રાષ્ટ્રીય પસંદગીકારોની શોધ થઈ રહી છે અને નવી અરજીઓને આમંત્રણ છે. બોર્ડેના એક નિવેદનમાં બે રાષ્ટ્રીય પસંદગીકારો (વરિષ્ઠ પુરુષો), પાંચ રાષ્ટ્રીય પસંદગીકારો (વરિષ્ઠ મહિલાઓ) અને બે રાષ્ટ્રીય પસંદગીકારો (જુનિયર પુરુષ) માટે અરજીઓ મંગાવી હતી.