લંડન: ઇંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન જોની બેરિસ્ટોએ કહ્યું કે, મને વેસ્ટ ઇન્ડિઝ સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવાનો વિશ્વાસ છે. 30 વર્ષીય બેરિસ્ટોને ગત વર્ષ ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં બેટ્સમેન તરીકેની તક આપવામાં આવી હતી, પરંતુ પ્રદર્શન સારૂ ન રહેતા શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર રખાયો હતો. નોંધનીય છે કે, હાલ ઇંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં વિકેટકીપર માટે સખત સ્પર્ધા છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ જોસ બટલરને પ્રાથમિકતા આપી રહ્યું છે, ત્યાં આવતા મહિનાથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેરિસ્ટોએ કહ્યું કે, "હું હાલમાં મારી વિકેટકિપીંગથી ખરેખર ખુશ છું. આ મારી રમતનો એક ભાગ હતો. કારકિર્દીની શરૂઆતમાં લોકોએ મારા પર સવાલ કર્યા હતાં, પરંતુ છેલ્લા બે વર્ષોમાં કોઈએ સવાલ ઉઠાવ્યો નથી. મારું પ્રદર્શન સારૂ છે, આ માટે મારી વિકેટકીપર તરીકે ટીમમાં વાપસી થવી એમાં કોઈ શંકા નથી. મને લાગે છે કે, મેં મારી વિકેટકિપીંગમાં કંઇ ખોટું કર્યું નથી. લોકોએ મારી વિકેટકિપીંગની ખૂબ પ્રશંસા કરી છે."
બેરિસ્ટોનું બેટિંગમાં કોઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી. છેલ્લા 18 ટેસ્ટમાં ફક્ત એક સદી જ ફટકારી છે. ઓગસ્ટ 2018થી અત્યાર સુધી 14 મેચમાં ફક્ત 19.15ની સરેરાશ રન બનાવ્યાં છે. બેરિસ્ટો કહ્યું કે,"હું હમણાં જે રીતે બેટિંગ કરી રહ્યો છું તેનાથી ખુશ છું. મેં બોલિંગ મશીન સામે પ્રેક્ટિસ કરી હતી. જેમાં ટેકનીક સુધારવી સારી રહી છે."
મહત્વનું છે કે, વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ પૂર્વે પસંદગી પામેલા 55 સંભવિત ખેલાડીઓમાં બેરિસ્ટોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 8 જુલાઈથી 12 જુલાઈ સુધી સાઉધમ્પ્ટનમાં રમાશે. વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 8 જુલાઈથી શરૂ થશે. પહેલી મેચ હેમ્પશાયરના એજેસ બાઉલમાં, જ્યારે બીજી અને ત્રીજી મેચ ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ ખાતે રમાશે.