મુંબઈઃ ગત વર્ષે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં હારીને ટૂર્નામેન્ટની બહાર નીકળી હતી. જેના માટે પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ટીમના અનિશ્ચિત મધ્ય ક્રમને દોષી ઠેરવ્યો છે. હવે પઠાણે કહ્યું કે, ભારત પાસે તમામ સંસાધન છે, પરંતુ મોટી-મોટી ICC ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ યોજના બનાવવાની જરૂર છે.
ભારતે છેલ્લી વખત 2012માં ICC ટૂર્નામેન્ટ જીતી હતી. તે સમયે ટીમ ઈન્ડિયાએ મહેન્દ્રસિંહ ધોનીના નૈતૃત્વમાં ચેમ્પિયન ટ્રોફીનો તાજ પોતાના નામ કર્યો હતો. ત્યારબાદ ભારત કોઈ પણ ICC ટૂર્નામેન્ચ જીતવામાં સફળ રહ્યું નથી.
2007ના T-20 વર્લ્ડ કપના સભ્ય પઠાણે સ્ટાર સ્પોર્ટસ શો 'ક્રિકેટ કનેક્ટેડ'માં કહ્યું કે, આપણે આ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે, આપણી પાસે ICC ટ્રોફી વર્લ્ડ કપમાં જવા માટે શ્રેષ્ઠ યોજના છે.
પઠાણે કહ્યું કે, ગત વર્ષે વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમને પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી હતી. જેના કારણે ટીમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડની સામે હારી હતી.
વધુમાં પઠાણે કહ્યું કે, આપણી પાસે માત્ર નંબર 4 માટે બેટ્સમેન નહોતો. આપણે પ્લેઈંગ ઈલેવન માટે સંઘર્ષ કરી રહ્યા હતા.