મુંબઇ: ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ આઈપીએલ 2020 સીઝન માટે ચીની મોબાઇલ કંપની વિવો સાથેના કરારને સમાપ્ત કરી દીધો છે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તનાણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે વિવો આ વર્ષે આઈપીએલ સાથે જોડાઇ શકશે નહીં. બીસીસીઆઈની અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈ અને વિવો મોબાઇલ ઈન્ડિયા પ્રા.લિ.એ 2020 માં ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે તેમની ભાગીદારી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આ કરાર હેઠળ, બીસીસીઆઈને વાર્ષિક 440 કરોડ રૂપિયા મળતા હતા. ચાઇનીઝ મોબાઇલ ઉત્પાદક વિવોએ પાંચ વર્ષ (2018-2022) માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ના ટાઇટલ સ્પોન્સરશિપ રાઇટ્સ મેળવ્યા, જેની મોટી બોલી 2,199 કરોડ રૂપિયા હતી. બીસીસીઆઈના પોતાના બંધારણ મુજબ નવા ટાઇટલ સ્પોન્સર માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ થવાની સંભાવના છે.
હત્વનું છે કે, આઈપીએલની 13 મી સીઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઈમાં રમાશે. આ અગાઉ આઈપીએલ 29 માર્ચથી ભારતમાં શરૂ થવાની હતી, પરંતુ કોરોના વાઇરસને લીધે લીગ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.