નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચની રાહ જોતા ચાહકો માટે સારા સમાચાર છે. બંને દેશોની ટીમો સપ્ટેમ્બરમાં દુબઇમાં એશિયા કપમાં ભાગ લેશે. શુક્રવારે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ વાતની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, આગામી એશિયા કપ ટૂર્નામેન્ટ દુબઇમાં યોજાશે અને ભારત અને પાકિસ્તાન બંનેને આ ખંડીય ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની તક મળશે.
સપ્ટેમ્બરમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનને યજમાન દેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પરંતુ બીસીસીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઈન્ડિયા સુરક્ષાના કારણોસર તેના પાડોશી દેશની મુલાકાત લઈ શકશે નહીં. આ પછી, આ ટુર્નામેન્ટનું દુબઇમાં આયોજન કરવાનું નક્કી કરાયું છે.
3 માર્ચેના રોજ યોજાનાર એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક માટે દુબઈ જતા પહેલાં સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે એશિયા કપ દુબઇમાં હશે અને તેમાં ભારત અને પાકિસ્તાન બંને ભાગ લેશે. બીસીસીઆઈએ પણ સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાન આ ટૂર્નામેન્ટની મેજબાની કરશે તે અંગે અમને કોઈ વાંધો નથી.
ભારત અને પાકિસ્તાને 2012-13થી કોઈ સીરીઝ રમી નથી. ત્યારબાદ પાકિસ્તાનની ટીમ મર્યાદિત ઓવરોની મેચ રમવા માટે ભારત આવી હતી. બંને દેશોમાં રાજકીય તનાવના કારણે આ બંને દેશો ત્યારબાદથી માત્ર આઇસીસી ટૂર્નામેન્ટમાં એકબીજાની વિરુદ્ધ રમતા જોવા મળે છે.