નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડને આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગના આયોજનને સંયુક્ત આરબ અમીરાતમાં કરાવવા માટે કેન્દ્ર સરકારની સત્તાવાર મંજૂરી મળી ગઇ છે. લીગના અધ્યક્ષ બ્રિજેશ પટેલે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ટૂર્નામેન્ટના નવા ટાઇટલ સ્પોન્સરની જાહેરાત 18 ઓગસ્ટ સુધીમાં કરવામાં આવશે.
![confirms IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ipl-uae_1008newsroom_1597067002_88.jpg)
IPL યુએઈમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી શારજાહ, દુબઇ અને અબુધાબીમાં રમાશે. સરકારે ગયા અઠવાડિયે BCCIને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. ભારતમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસને લઇ આ વર્ષે IPL યુએઇમાં યોજાઇ રહી છે.
![confirms IPL](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ipl-trophy_1008newsroom_1597067002_9.jpg)
બ્રિજેશ પટેલે કહ્યું કે, અમને લેખિત મંજૂરી મળી ગઇ છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે, શું ગૃહ અને વિદેશ મંત્રાલય બંનેએ લેખિતમાં મંજૂરી આપી છે. ભારતની કોઈપણ રમત-ગમત સંસ્થા જ્યારે ઘરેલું ટૂર્નામેન્ટને વિદેશમાં યોજતી હોય, ત્યારે તેમણે ગૃહ, વિદેશ અને ખેલ મંત્રાલયની મંજૂરી લેવી પડે છે.
બોર્ડના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે સરકારની મંજૂરી મળ્યા પછી અમે અમીરાત ક્રિકેટ બોર્ડને જાણ કરી હતી. અમને હવે લેખિત મંજૂરી પણ મળી ગઇ છે એટલે હવે ટીમને જાણ કરવામાં આવશે.
મોટાભાગની ટીમ 20 ઓગસ્ટ પછી યુએઇ જવા રવાના થશે. તેમણે રવાના થયા પહેલા 24 કલાકની અંદર બે આરટી પીસીઆર ટેસ્ટ કરાવવા પડશે. ચેન્નઇ સુપર કિંગ્સની ટીમ 22 ઓગસ્ટના રોજ રવાના થશે.