નવી દિલ્હીઃ પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજસિંહે કહ્યું કે, દ્વિપક્ષીય ક્રિકેટ શ્રેણીમાં ભારત અને પાકિસ્તાનની ટીમો જેટલી વધુ એકબીજા સામે રમે છે તેટલી સારી આ રમત થશે. ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને પાકિસ્તાનના પૂર્વ કપ્તાન શાહિદ આફ્રિદીનું માનવું છે કે, ભારત-પાકિસ્તાન જેટલું વધારે રમે તેટલું ક્રિકેટ માટે સારું છે.
યુવરાજે કહ્યું કે, અમે રમત પ્રત્યેના પ્રેમ માટે ક્રિકેટ રમીએ છીએ. અમે નક્કી ન કરી શકીએ કે અમારે કોની સામે રમવું છે. હું કહીશ કે ભારત અને પાકિસ્તાની વધુ મેચ રમેે તો સારું છે. યુવરાજે વધુ ઉમેરતા કહ્યું કે, મને એ દિવસો યાદ છે, જ્યારે હું પાકિસ્તાન સામે 2004, 2006 અને 2008ની બાઈલેટરલ સીરિઝમાં રમ્યો હતો. હવે ભારત-પાકિસ્તાનની મેચો થતી નથી, પરંતુ તે અમારા હાથમાં નથી.
આફ્રિદીએ કહ્યું કે, જો ભારત-પાકિસ્તાન વચ્ચે સીરિઝ રમવામાં આવે તો તે એશિઝ કરતા પણ મોટી શ્રેણી સાબિત થાય. જો કે, હવે બંને દેશ રમતું નથી. આપણે પોલિટિક્સને રમતમાં આવવા દઈએ છીએ. મારુ માનવું છે કે, ભારત-પાકિસ્તાને સાથે બેસીને આ અંગે ચર્ચા કરવી જોઈએ. ICC ટૂર્નામેન્ટોમાં બંને દેશો એકબીજાની વિરુદ્ધ રમે છે, પરંતુ વર્ષ 2013થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી બની નથી. બંને દેશો વચ્ચે છેલ્લી ટેસ્ટ શ્રેણી 2008માં રમવામાં આવી હતી.