ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી 3 મેચની ટી-20 સીરિઝમાં કેટલાયે રેકોર્ડ બન્યા તો કેટલાય રેકોર્ડ તૂટ્યા. ખાસ કરીને ત્રીજી ટી-20ની વાત કરીએ તો દીપક ચાહરે પોતાની ધારદાર બોલિંગ દ્વારા વિરોધી ટીમને સંપૂર્ણ રીતે તેની જાળમાં ફસાવી લીધી અને માત્ર 7 રન આપીને 6 વિકેટ ઝડપી. ત્યારબાદ વર્લ્ડ ક્રિકેટને ટી20 ફોર્મેટના શ્રેષ્ઠ બોલિંગના આંકડા જોવા મળ્યા.
ચાહરે એક વધુ સિદ્ધી મેળવી જેમાં તેમણે હેટ્રિક પણ લીધી. જેની સમગ્ર જગતમાં પ્રશંસા પણ કરવામાં આવી ઉપરાંત BCCI એ દીપકની આ સિદ્ધીને ભારતીય દ્વારા લેવામાં આવેલી પ્રથમ હેટ્રિક ગણાવી જેને સાંભળીને દીપકની ઘણી પ્રશંસા કરવામાં આવી. બસ અહી થઈ BCCIની ભૂલ. સોશિયલ મીડિયા કોઈને છોડતુ નથી પછી તે BCCI જ કેમ ન હોય. આ ભૂલ બાદ BCCIને ટ્વિટર પર ઘણું ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે,પ્રશ્ર એ થાય કે દીપક નહીં તો કોના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. તો ટી20માં પ્રથમ હેટ્રિક લેનાર દીપક ચાહર નહીં પરંતુ એકતા બિષ્ટ હતી. ટી-20 માં ભારત માટે પહેલી હેટ્રિક લેવાનો શ્રેય મહિલા ટીમની બોલર એકતા બિષ્ટને જાય છે, જેમણે સાત વર્ષ પહેલા શ્રીલંકા સામે આ પરાક્રમ કર્યુ હતું. પરંતુ આ મામલે હજુ BCCI તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.