લંડનઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને પાછળ રાખી ગત 3 વર્ષથી ચાલી આવતા દબદબાને પૂર્ણ કરી બુધવારે વર્ષ 2019 માટે વિઝડનના શ્રેષ્ઠ ક્રિકેટરનું સમ્માન પ્રાપ્ત કર્યું છે.
વિઝડન ક્રિકેટર્સ અલમાનૈકે 2020ની પોતાની આવૃત્તિમાં 2019ના પ્રદર્શન માટે સ્ટોક્સને આ સમ્માન આપ્યું છે. આ સમ્માન ગત ત્રણ વર્ષથી કોહલીને મળી રહ્યું હતું.
ભારતના સ્ટાર બેટ્સમેનને 2016, 2017 અને 2018માં સળંગ ત્રણ વખત વિઝડને વર્ષના અગ્રણી ક્રિકેટર પસંદ કર્યા હતા. જે એક રેકોર્ડ છે. જો કે, આ વખતે વિઝડનની સમ્માન યાદીમાં કોઈ પણ ભારતીય પુરૂષ કે મહિલા ખેલાડીને સ્થાન મળ્યું નથી. સ્ટોક્સે પહેલી વખત આ સમ્માન પ્રાપ્ત કર્યું છે.
આ સમ્માન પ્રાપ્ત કરનારા ઈંગ્લેન્ડના બીજા ખેલાડી
આ પુરસ્કાર 2003થી શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સ્ટોક્સ આને પ્રાપ્ત કરનારા ઈંગ્લેન્ડના માત્ર બીજા ક્રિકેટર છે. આ અગાઉ એન્ડ્રયૂ ફ્લિંટોફને 2005માં આ સમ્માન મળ્યું હતું.
એલિસ પેરી શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર
વિઝડને આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર એલિસ પેરીની વિશ્વની શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે.
આંદ્રે રસેલ T-20ના શ્રેષ્ઠ ક્રિકેટર
વેસ્ટઈન્ડીઝના આંદ્રે રસેલની T-20ના શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદગી કરવામાં આવી છે. ઈંગ્લેન્ડને ગત વર્ષે પ્રથમ વર્લ્ડ કપ અપાવવામાં સ્ટોક્સની મહત્વની ભૂમિકા હતી. આ ઉપરાંત તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હૈડિગ્લે એશેઝ ટેસ્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરીને ટીમને જીત આપાવી હતી.