સુરત: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી કરનારા યાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નવેમ્બર મહિના દરમિયાન સુરત એરપોર્ટથી 1.39.785 ડોમેસ્ટિક યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો. જેમાં સૌથી વધુ 56.309 યાત્રી દિલ્હી-સુરત વચ્ચે નોંધાયા છે. હાલ સુરત એરપોર્ટથી 17થી 20 જેટલી ફ્લાઈટની મૂવમેન્ટ છે.
17થી 20 જેટલી ફ્લાઈટની મૂવમેન્ટ: બેંગ્લોર, ચેન્નઈ, ગોવા, દિલ્હી, દીવ, હૈદરાબાદ, જયપુર, કોલકાતા અને પૂને સહિતના શહેર સાથે સુરત એરપોર્ટથી કનેક્ટિવિટી છે. જ્યારે શારજાહ, દુબઈ અને બેંગકોક અને સુરત વચ્ચે પણ ફ્લાઈટની મૂવમેન્ટ છે. હાલ બેંગ્લોરની 3, ચેન્નઈની 2, દિલ્હીની 5, હૈદરાબાદની 2 અને ગોવા, દીવ, જયપુર, કોલકાતા તેમજ પૂનેની 1-1 ફ્લાઈટની મૂવમેન્ટ છે. સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી 17થી 20 જેટલી ફ્લાઈટની મૂવમેન્ટ છે. પરંતુ મુસાફરોની વધતી સંખ્યા જોતા આ ફ્લાઈટ ઓછી પડી રહી હોવાની ફરિયાદ છે.
કેટલા યાત્રીઓએ પ્રવાસ કર્યો?: નવેમ્બરની વાત કરીએ તો, આ મહિનામાં સુરત એરપોર્ટથી 1.39.785 ડોમેસ્ટિક યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો. જેમાં દિલ્હી અને સુરત વચ્ચે સૌથી વધુ 56.309 યાત્રીઓ પ્રવાસ કર્યો હતો. જ્યારે બેંગ્લોર-સુરત વચ્ચે 21.219, ચેન્નઈ-સુરત વચ્ચે 5.467, ગોવા-સુરત વચ્ચે 11.313, દીવ-સુરત વચ્ચે 3.523, હૈદરાબાદ- સુરત વચ્ચે 15.947, જયપુર-સુરત વચ્ચે 10.970, કોલકાતા-સુરત વચ્ચે 11.100 અને પૂને-સુરત વચ્ચે 3.937 યાત્રીએ પ્રવાસ કર્યો હતો. ત્યારે આ શહેરો ઉપરાંત વારાણસી, લખનઉ અને પટના સાથે પણ એર કનેક્ટિવિટી મળે તે માટે શહેરીજનો માંગ કરી રહ્યા છે.
દિલ્હી-સુરતની ફ્લાઈટ પોણા બે કલાક મોડી: એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત-દિલ્હીની ફલાઈટ પોણા બે કલાક મોડી પડી હતી. જેથી યાત્રીઓને હાલાકી થઇ હતી. એરપોર્ટના સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દિલ્હી સુરતની ફલાઈટ દરરોજ સવારે 10: 00 વાગે દિલ્હી એરપોર્ટથી સુરત એરપોર્ટ આવવા નીકળે છે અને બપોરે 12:00 વાગે સુરત એરપોર્ટ પર પહોંચે છે. પરંતુ ગુરુવારે દિલ્હી એરપોર્ટ પરથી આ ફલાઈટ બપોરે 12:00 વાગે નીકળી હતી અને સુરત બપોરે 1:50 વાગે પહોંચી હતી. જેને લીધે આ ફલાઈટની આગળની પણ તમામ ઉડાન મોડી રહી હતી. ફલાઇટને વિલંબ થતા તમામ યાત્રીઓ એરપોર્ટ પર અટવાઇ ગયા હતા.
આ પણ વાંચો: