મુંબઇ: ઇંગ્લેન્ડમાં વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર રોહિત શર્માનું નામ બીસીસીઆઈ દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે શનિવારે આ માહિતી આપી હતી. રોહિતના ઓપનિંગ પાર્ટનર શિખર ધવનનું નામ ફરી એકવાર અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. ડાબોડી બેટ્સમેન ધવન 2018 માં અર્જુન એવોર્ડ મેળવવાથી ચૂકી ગયા હતા.
અર્જુન એવોર્ડ માટે ધવન, ઇશાંત અને દિપ્તીના નામ મોકલાયા
અર્જુન એવોર્ડ માટે ભારતીય ટીમના સૌથી સીનિયર ઝડપી બોલર ઇશાંત શર્માના નામની પણ ભલામણ કરવામાં આવી છે. મહિલા વિભાગમાં, ઓલરાઉન્ડર દીપ્તિ શર્માનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે, જે છેલ્લા ત્રણ વર્ષથી વનડે અને ટી 20 બંનેમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે.
BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીનું નિવેદન
એક નિવેદનમાં બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, "અમે આ નામોની પસંદગીકરતા પહેલા ઘણો ડેટા ભેગો કર્યો અને ઘણી ચર્ચાઓ કરી.
રોહિતે બેટ્સમેન તરીકે ઘણા બેંચમાર્ક બનાવ્યા હતા અને તે બધાને હાંસિલ કર્યા છે. બધા ખેલાડીઓ તે કરી શક્યા ન હતા. અમને લાગે છે કે તેઓ ખેલ રત્ન મેળવવાના હકદાર છે. "
તેમણે કહ્યું કે, "ઇશાંત ટેસ્ટ ટીમમાં સૌથી સિનિયર ખેલાડી છે અને તેણે ભારતને નંબર -1 ટીમ બનાવવામાં ઘણું યોગદાન આપ્યું છે. શિખર પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે અને આઈસીસી ટૂર્નામેન્ટમાં તેનું પ્રદર્શન ખૂબ મહત્વનું રહ્યું છે. દિપ્તી શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે." અને ટીમની સફળતામાં તેમનું યોગદાન પણ ખૂબ ઉપયોગી રહ્યું છે. "