કરાંચીઃ ક્રિકેટમાં પણ કોરોના આવી ગયો છે, ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ કહ્યું કે, આગામી એશિયા કપ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માટે મોકૂફ રાખવામાં નહીં આવે. આ કપ પાકિસ્તાનને બદલે શ્રીલંકા અથવા યુએઈમાં કરી શકે છે.
મહત્વનું છે કે, એશિયા કપ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાવાનો છે. જેમાં પાકિસ્તાન યજમાન દેશ છે. જો કે, આ અંગે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ સ્પષ્ટ કરી દીધું છે કે, ભારતીય ટીમ મેચ રમવા પાકિસ્તાન નહીં જાય. જેથી પાકિસ્તાન એશિયા કપની ટૂર્નામેન્ટ શ્રીલંકા અથવા યુએઈમાં સ્થળાંતર કરી શકે છે. PCBના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વસીમ ખાનના જણાવ્યા અનુસાર, આગામી એશિયા કપ ભારતમાં રમાનાર IPL માટે મોકૂફ રાખવામાં નહીં આવે. જો કે, અત્યારે ભારત-પાકિસ્તાન સીરિઝ શક્ય નથી, જેથી એના વિશે વાત કરવી જોઈએ નહીં.
વસીમ ખાને વધુમાં કહ્યું કે, એશિયા કપ થશે. પાકિસ્તાનની ટીમ 2 સપ્ટેમ્બરના રોજ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરશે, ત્યારબાદ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં એશિયા કપ થઈ શકે છે. કોરોના અને આતંકવાદની પરિસ્થિતિના આધારે કપ શ્રીલંકામાં થઈ શકે છે. જો લંકા ના પાડી દે તો UAE યજમાની માટે તૈયાર છે. વસીમે કહ્યું કે, હવે ભારત સાથે રમવા અંગે ભૂલી જવું જોઈએ. બંને દેશોની સીરિઝ માટે સરકાર પાસેથી પરવાનગી લેવી પડશે. અત્યારે સીરિઝ શક્ય નથી. જેથી આ વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી.
નોંધનીય છે કે, અત્યાર સુધી એશિયા કપની 14 ટૂર્નામેન્ટ યોજાઈ છે. જેમાં ભારત 7 વાર જીત્યું છે. છેલ્લે 2018માં દુબઈમાં ટૂર્નામેન્ટ રમાઈ હતી. જેમાં ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. હવે પાકિસ્તાનની યજમાનીમાં સપ્ટેમ્બરમાં એશિયા કપ થવાનો છે, જેણે શ્રીલંકાને હોસ્ટ કરવાની ઓફર કરી છે.
મહત્વનું છે કે, ભારતમાં IPL 29 માર્ચે શરૂ થવાની હતી, પરંતુ કોરોનાના કારણે સ્થગિત કરવામાં આવી છે. આ સિવાય કોરોના મહામારીના કારણે એશિયા કપ અને ઓસ્ટ્રેલિયામાં થનારો T-20 વર્લ્ડ કપ પર સંકટ પડ્યો છે. આવા સંજોગોમાં BCCI ઈચ્છે છે કે, જો આમાંથી એકપણ ટૂર્નામેન્ટ રદ્દ થાય તો આ વિન્ડોમાં IPL કરી શકાય.